વાંકાનેર ભાજપમાં ભડકો, રાજવી પરિવારના કેસરીદેવસિંહ બળવો કરે તેવી શક્યતા

- text


પ્રબળ દાવેદાર છતાં ટિકિટ ન મળતા અપક્ષ લડવા ફોર્મ પણ ઉપાડ્યું

સાંજે કોળી સમાજ તેમજ અન્ય આગેવાનો સાથે બેઠક બાદ અપક્ષ લડે અથવા આપ સાથે હાથ મિલાવે તેવી શક્યતા

વાંકાનેર : વાંકાનેર -કુવાડવા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઇ સોમાણીની જાહેરાત થતાની સાથે જ આબેઠક્ના પ્રબળ દાવેદાર ગણાતા મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ભારોભાર નારાજ થઇ જતા બળવો કરવાના મૂડમાં આવી આજે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ઉપાડ્યું છે અને આજે સાંજે કોળી સમાજના આગેવાનો તેમજ અન્ય આગેવાનો સાથે બેઠક બાદ નવાજૂનીનાં મૂડમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી આડે 19 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વાંકાનેર બેઠક ઉપર આંતરિક ઝઘડા અને જૂથબંધી હોવાના સાફ-સાફ સંકેતો મળી રહ્યા છે. 67 વાંકાનેર કુવાડવા બેઠક માટે મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા પ્રબળ દાવેદાર ગણાતા હતા પરંતુ આ બેઠક ઉપરથી જીતુભાઇ સોમાણીનું નામ જાહેર થતા જ મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા ભારોભાર નારાજ થયા હોવાનું અને આજે નારાજગી પ્રગટ કરવા તેઓએ અપક્ષ ઉમેદવારીપત્ર પણ ઉપાડી લીધું હોવાનું બહાર આવ્યું છે.

- text

બીજી તરફ આજે સાંજે મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા નારાજ જૂથ સાથે મળનાર છે. ખાસ કરીને કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર ગત ટર્મની જેમ આ વખતે પણ કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં નથી આવી ત્યારે સાંજે નારાજ જૂથ એક સાથે મળી નવા જૂની કરવાના મૂડમાં હોવાનું તેમજ આપ સાથે પણ સંપર્ક કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

- text