મચ્છુ ઘાટ ઉપર એક પછી એક મૃતદેહો નીકળતા કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો

- text


પાણી સાથે મોરબીને મોટી ઘાત, ફરી એકવાર પુલ તૂટવાની ઘટનાથી જળ હોનરાતની ભયકર ઘટના તાજી થઈ

મોરબી : મોરબીને પાણી સાથે મોટી ઘાત હોવાનું વધુ એકવાર પુરવાર થયું છે. 1979ની મચ્છુ પુર દુર્ઘટના બાદ મચ્છુ નદી ઉપર બાંધેલા ઐતિહાસિક પુલ તૂટવાની દુર્ઘટનાએ મોરબી પર બીજી વખત આ દુર્ઘટના રૂપી કાળચક્ર ફરી વળ્યું છે. હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હોય એક પછી એક નીકળતી લાશ અને એમ્બ્યુલન્સની સાયરને મચ્છુ ઘાટ ઉપર કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો છે. આસપાસના લોકો અને ઘરે ન આવેલા લોકો પોતાના સ્વજન શોધખોળ બાદ અહીં આવતા મૃતદેહો હાથ લાગતા કલ્પના કરતા પણ ધ્રુજારી છૂટી જાય એવા કરુણ દ્રશ્યો સર્જાયા છે.

મચ્છુ નદી ઉપરનો પુલ તૂટી પડ્યા બાદ આ તરફ મચ્છુ ઘાટ ઉપર આવેલ શીતળા માતાના મંદિર અને મકરાણી વાસના લોકો સૌપ્રથમ નદી અંદર દોડી ગયા હતા અને જેટલા લોકો હાથ લાગ્યા તેટલા લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો છે અહીં આજુબાજુમાં રહેતા તરવૈયાઓ ઘટના બનતા તુરત જ તેની મેળે રેસ્ક્યુ હાથ ધર્યું હતું અને કોઈ સાધન વગર અનેક લોકોને જીવના જોખમે બચાવ્યા હતા. હજુ ઘણા લોકો નદીમાં ડૂબેલા હોય લશ્કરી દળ, એનડીઆરએફની ટીમ સહિતની અનેક ટિમો દ્વારા હાલ મધરાત્રે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને જેમ જેમ નદીમાં ડૂબેલા લોકો હાથ લાગે તેમ તેમ બોટ મારફત મચ્છુ ઘાટ દરબાર ગઢ પાસે લેવવવામાં આવે છે. ત્યાં ફરજ પર તૈનાત ડોક્ટરો દ્વારા તપાસીને મૃત જાહેર કરતા વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું છે. આસપાસના લોકો તેમજ ઘરે પરત ન આવેલા પોતાના સ્વજનને શોધવા આવેલા લોકો જેમ જેમ બોટ મારફતે મૃતદેહોને ઘાટ ઉપર લવાતા પોતાના કોઈ સ્વજન છે કે કેમ તેની ઉચાટ મને તપાસ કરી રહ્યા છે. જેવી ઓળખ મળે કે તુરત જ કરુણ કલ્પાંત સર્જાઈ છે. મચ્છુ હોનારત જોઈ ચૂકેલા અહીંના ઘણા વડીલો અડધી રાત્રે પણ જાગીને પોતાની સાથે વીતેલી અગાઉની મચ્છુ જળ હોનારત તાજી થતા આંખે આસું વહેવા લાગે છે.

- text

મચ્છુ ઘાટ મોટી સંખ્યા લોકો હોવા છતાં કોઈ કોલાહલ વગર ભારે શોક સાથે મૌમ છવાઈ ગયું છે. ઘણા લોકો પહેલા પોતાના સ્વજનને શોધવા હોસ્પિટલમાં ધક્કા કરે છે ત્યાં ન મળતા મચ્છુ ધાટે આવીને હૃદય ઉપર પથ્થર રાખીને શોધખોળ કરતા હોવાથી અહીંનું વાતાવરણ મધરાત્રે શોકમગ્ન બની ગયું છે. મચ્છુ ઘાટ ઉપર મંદિર હોય અહીંયા શ્રધ્ધાનું વાતાવરણ વચ્ચે આજે રાત્રે ઢગલાબંધ લાશ નીકળતા આ સ્થળ રોકકળથી ભારેખમ થઈ ગયું છે. અહીં એમ્બ્યુલન્સનો મોટો ખડકલો છે. લાશ કે ઘાયલોને લઈને જતી એક પછી એક એમ્બ્યુલન્સની સાયરને લોકોને સ્તબ્ધ કરી દીધા છે. અકલ્પનીય દુઃખદ વાતાવરણ સર્જાયું છે. હજુ પણ આખી રાત અને કાલે સવારે સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહેવાનું હોવાથી આ સ્થળ હોનારત પછી બીજી વખત મોતની કાલીમાંથી ડઘાઈ ગયું છે.

- text