વાંકાનેરના વાલાસણમાં ભાયુભાગની જમીનના ડખ્ખામાં પરિવારજનો બાખડયા

- text


સામસામી ફરિયાદ નોંધાઇ, એકપક્ષે જમીનનો ઝઘડો તો બીજા પક્ષે ભેંસ મામલે ઝઘડો થયાની ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ભાયુભાગની જમીન મામલે ભાઈઓ ભાઈઓ અને ભત્રીજા વચ્ચે ઝઘડો થવાની સાથે કુટુંબની મહિલાઓ પણ બાખડી પડતા સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના વાલાસણ ગામે રહેતા અબ્દુલભાઇ અલાઉદીનભાઈ માણસિયા ઉ.60 નામના વૃદ્ધે તેમના ભાઈ રસુલભાઈ અલાઉદીન માણસિયા તેમજ ભત્રીજા સુલતાન હુસેનગનીભાઈ માણસિયા, શાહબુદીનભાઈ ઇસ્માઇલભાઈ અને અલમેજભાઇ મામદભાઈ માણસિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ભાઈ અને ભત્રીજાઓએ જમીનના ભાયુંભાગ પડી ગયા હોવા છતાં પણ ઘરમાં આવી ઝઘડો કરી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.

- text

બીજી તરફ સામાપક્ષે દીનારબેન રસુલભાઈ માણસિયાએ આરોપી મદીનાબેન અબ્દુલભાઇ, રોશનબેન અબ્દુલભાઇ, સિકંદર અબ્દુલભાઇ તેમજ અબ્દુલભાઇ અલાઉદીનભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીઓની ભેંસ છૂટી તેમના ખીલે આવી તેમની ભેંસનો ખીલો છોડાવતા તેમની ભેંસ આરોપીઓના ઘરમાં જતી રહી હતી જે લેવા જતા આરોપીઓએ લોખંડનું આડુ મારી હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.કૌટુંબિક ઝઘડાના આ બનાવમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text