ઘુંટુના ખેડૂતને વળતર ન ચૂકવનાર નર્મદાની સૌરાષ્ટ્ર નહેર શાખા વિભાગનો સામાન જપ્ત કરતી કોર્ટ

- text


 

રૂ. 14 લાખનું વળતર વ્યાજ સાથે ચૂકવવા કોર્ટે વોરંટ બજવ્યું હોવા છતાં પણ વળતર ન ચૂકવનાર કચેરી સામે આકરી કાર્યવાહી

મોરબી : કોર્ટનો ઓર્ડર હોવા છતાં ઘુંટુ ગામના ખેડૂતને વળતર ન ચૂકવનાર નર્મદાની સૌરાષ્ટ્ર નહેર શાખા કચેરી સામે કોર્ટે આકરી કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટે આ કચેરીનો સામાન જપ્ત કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઘૂંટુ ગામના દયારામભાઈ છગનભાઇ પટેલની 6007 મીટર જેટલી જમીન નર્મદાની સૌરાષ્ટ્ર નહેર શાખા કચેરી દ્વારા લેવામાં આવી હતી. ત્યારે 72 પૈસા પ્રતિ મીટરના ભાવે વળતર ચુકવવામાં આવ્યું હતું. આ વળતર ઓછું હોય તેના વધારા માટે 1997માં દયારામભાઈ છગનભાઇ પટેલે મોરબી સિવિલ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

- text

કોર્ટે 2018માં આ કચેરીને મીટરના 32 લેખે વધારાના રૂ. 14,02,475 વ્યાજ સાથે ચૂકવવા આદેશ આપ્યો હતો. ઉપરાંત આ મામલે બે મહિના પૂર્વે જપ્તીનું વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું. છતાં કચેરીએ વળતર ન ચૂકવતા આજે કાર્યપાલક ઈજનેર નર્મદા યોજના, સૌરાષ્ટ્ર શાખા કચેરીના 4 મોનીટર, 4 સીપીયુ, 3 બેટરી અને 2 પ્રિન્ટર કોર્ટના બેલીમને સાથે રાખીને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ફરિયાદી દયારામભાઈ પટેલના પક્ષે વકીલ વી.ટી. શાહ રોકાયેલ હતા.

- text