માતાના મઢે દર્શન કરી પરત આવતા મોરબીના પરિવારને નડ્યો અકસ્માત : ચારના મોત

- text


ગાંધીધામના પડાણા નજીક અજાણ્યા વાહને સીએનજી રીક્ષાને ઠોકરે ચડવાતા સ્થળ પર બે બાળકોના અને અન્ય બે વ્યક્તિના સારવાર દરમ્યાન મોત નિપજ્યા

મોરબી : ગાંધીધામના પડાણા નજીક હાઇવે ઉપર મોરબીના માનસર ગામના પરિવારને ગોઝારો અકસ્માત નડ્યો હતો. જેમાં કચ્છ માતાના મઢે દર્શન કરીને પરત ફરી રહેલા આ પરિવારની સીએનજી રીક્ષાને અજાણ્યા ભારે વાહને જોરદાર ટક્કર મારતા ઘટનાસ્થળે જ બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓના સારવાર દરમ્યાન મોત નિપજતા કુલ મૃત્યુ આંક ચારનો થયો છે. આ બનાવથી પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી.

કરુણ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના માનસર ગામે રહેતા અને વાંકાનેરના પંચાસી ગામે રહેતા બે સાઢુંભાઈનો પરિવાર તેમજ તેના રાજકોટ રહેતા સસરાનો પરિવાર એકસાથે કચ્છ માતાના મઢે દર્શન કરવા ગયો હતો. બે સાઢુંભાઈનો પરિવાર અને તેમના સસરાનો પરિવાર ગુરુવારે રાત્રે કચ્છ માતાના મઢેથી દર્શન કરીને સીએનજી રિક્ષામાં પરત આવી રહ્યો હતો. જોકે એક સાઢુંભાઈ સવજી નટુ પંસારા માંડવી ફરવા ગયો હતો અને પપ્પુ પંસારાનો પરિવાર અને સસરાનો પરિવાર મોરબી પરત આવવા રવાના થયો હતો. ત્યારે ગાંધીધામના પડાણા નજીક હાઇવે ઉપર કાળમુખા અજાણ્યા વાહને સીએનજી રીક્ષાને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જો કે ટ્રક જેવા વાહનની ઠોકરે રીક્ષાનો બુકડો બોલી ગયો હતો.

- text

આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા બે બાળકોમાં જયદીપ રસિક કુંઢીયા (ઉ.વ.6 રહે પંચાસીયા વાંકાનેર) અને આનંદ ઉર્ફ અનુપ પપ્પુ પંસારા (રહે માનસર મોરબી) નામના બે કુમળી વયના બાળકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય સાત લોકોને ઇજા થતા તુરત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર ઇજાગ્રસ્ત કાનજી ગગજી સોલંકી (રહે રાજકોટ) અને તેના જમાઈ રસિક કેશુ કુંઢીયાના પણ સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. મોરબી અને વાંકાનેર તેમજ રાજકોટના સંબંધીઓના પરિવારને અકસ્માત નડતા અને ચાર ચાર વ્યક્તિન મોત થતા પરિવારમાં હૈયાફાટ આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. આ બનાવ અંગે સવજીભાઈ નટુભાઈની ફરિયાદના આધારે ગાંધીધામ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- text