મોરબીના બૂરાયા ખડ્ડા… આવે છે જે.પી.નડ્ડા : સોશિયલ મીડિયામાં અવનવા મેસેજોનો મારો 

- text


કાલે ભલે નડ્ડા આવે… હવે તો પાટીલ, શાહ, મોદી આવે તો મોરબીનો ઉદ્ધાર થાય : મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા 24 કલાકમાં રસ્તા બનાવતા પ્રજામાં રોષ સાથે આનંદ 

મોરબી : આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા મોરબીમાં રોડ શો માટે આવી રહ્યા હોય મોરબીની તમામ મશીનરી મહાનુભાવને જરાપણ હડદો ન આવે તે માટે કામે લાગી છે અને 24 કલાકમાં સાંઢિયાના ઢેકા જેવા શનાળા રોડને રુપકડો બનાવી દીધો છે અને આજે રાત્રે રવાપર રોડને પણ ગુલાબી ગાલ જેવો લીસો બનાવી નાખવા તૈયારી કરી નાખી છે ત્યારે મોરબીના સોશિયલ મીડિયામાં તરેહ-તરેહની કોમેન્ટોનો મારો ચાલ્યો છે. મોરબીના બૂરાયા ખડ્ડા… આવે છે જે.પી.નડ્ડા, કાલે ભલે નડ્ડા આવે… હવે તો પાટીલ, શાહ, મોદી આવે તો મોરબીનો ઉદ્ધાર થાય સહિતના રમુજી મેસેજ ફરી રહ્યા છે. જો કે, એક વાત તો નક્કી છે કે કામ નહીં કરતું મોરબીનુ તંત્ર ધારે તો 24 કલાકમાં આખા મોરબીની કાયાપલટ કરવા સક્ષમ છે.

સિરામીક નગરીની સાથે ધૂળિયા શહેરની ઉપમા ધરાવતા મોરબી શહેરને અને સારા રોડ રસ્તાને બાર ગાઉનું છેટું હોય તેવી સ્થિતિ વચ્ચે વર્ષ 2013માં રાજકોટથી અલગ થઇ મોરબી સ્વતંત્ર જિલ્લો બનવા છતાં આ નવ વર્ષના સમયગાળામાં મોરબીની જનતાને સારો કહી શકાય તેવો એક પણ રોડ મળ્યો નથી. એવામાં આ વર્ષે સતત વરસાદને કારણે મોરબીના તમામ રસ્તાનું ધોવાણ થઇ જતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને રસ્તા મરામત માટે લોકો પાલિકા અને માર્ગ અને મકાન વિભાગને રજુઆત કરી કરી થાકવા છતાં તંત્ર નક્કર કામગીરી કરી શક્યું નથી.

- text

બીજી તરફ વિધાનસભા ચૂંટણી ઢૂંકડી આવતા જ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને બાવને બાવન ભાજપના સભ્યો ધરાવતી નગરપાલિકા વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આવતીકાલે મોરબીમાં રોડ શો કરનાર હોવાથી મોરબીનુ વહીવટીતંત્ર ભાજપના નેતા શહેરની ખરાબ છાપ લઈને ન જાય તે માટે ગઈકાલથી ઉજાગરા કરવાનું શરૂ કરી રાત્રીના સમયે ભક્તિનગરથી લઈ ઉમિયા સર્કલ, ત્યાંથી લઈને નગર દરવાજા સુધીના માર્ગને થાગડ-થીગડ અને પેચવર્ક તેમજ જરૂરી હોય ત્યાં સિમેન્ટ બ્લોક નાખી કચકડા જેવો કરી નાખ્યો છે.

જો કે એક વાત તો નક્કી છે કે અત્યાર સુધી મોરબીના વહીવટીતંત્રને અંડર એસ્ટીમેન્ટ કરતા લોકોને આજે તંત્રએ આજે છાતી ઠોકીને સાબિત કરી બતાવતા કહ્યું છે કે અમે ધારીએ તો બધું શક્ય છે !!! બીજી તરફ રાત્રે ખાડામાં રોદા ખાઈને ઘેર સુવા ગયેલા લોકો સવારે નીકળતા જ મખમલી રસ્તા જોવા મળતા સ્વપ્નમાં હોવાનો પણ અહેસાસ થઈ રહ્યો છે અને આ ખુશીનો અહેસાસ લોકો સોશિયલ મીડિયામાં, મોરબીના બૂરાયા ખડ્ડા… આવે છે જે.પી.નડ્ડા……..કાલે ભલે નડ્ડા આવે… હવે તો પાટીલ, શાહ, મોદી આવે તો મોરબીનો ઉદ્ધાર થાય જેવા અનેક રમુજી ટુચકા અને સૂત્રો મૂકી મોજ માણી રહ્યા છે.

- text