મોરબી જિલ્લામાં 1,84,356 હેકટરમાં કપાસનું બમ્પર વાવેતર

- text


મેઘમહેરને પગલે 90 ટકા વાવણી કાર્ય પૂરું : મગફળી, શકભાજી, કઠોળ અને ઘાસચારાનું પણ સારું એવું વાવેતર થયું

મોરબી : મોરબી જિલ્લામાં આ વખતે ચોમાસાની સીઝનમાં મેઘરાજાએ ખેડૂતોને દરેક વખતની આભ ભણી જોવા કે વરસાદની રાહ જોવાની તક જ આપી નથી. શરૂઆતમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ ખેલી છે. હાલ વરસાદનો ઘોરી મહિનો ગણાતો અષાઢનો એક દિવસ પણ મેઘરાજાએ કોરો જાવા દીધો નથી. એટલે અત્યાર સુધીમાં એકંદરે મોરબી જિલ્લામાં સચરાચર મેઘકૃપા થઈ છે. જેના લીધે મોરબી જિલ્લામાં સમયસર અત્યાર સુધીમાં 90 ટકા જેવું વાવણી કાર્ય પૂરું થઈ ગયું છે.જેમાં સૌથી વધુ 1,84,356 હેકટર જમીનમાં કપાસનું બમ્પર વાવેતર થતા મોરબીમાં સફેદ સોનાનો પુષ્કળ ઉતારો આવવાની શક્યતા છે.

- text

મોરબી જિલ્લામાં ઓણસાલ માંગ્યા મેહ વરસતા મોટાભાગનું વાવેતર થઈ ગયું હોય હવે કદાચ ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જ વાવણીમાં બાકી રહ્યા હશે. ખરીફ પાકમાં મોરબી જિલ્લાનો મુખ્યત્વે પાક કપાસ હોવાથી આ વખતે સૌથી વધુ મોરબી જિલ્લામાં 1,84,356 હેકટરમાં કપાસનું બમ્પર વાવેતર થયું છે. જેમાં પિયત કપાસ 132711 અને બિન પિયત કપાસનું વાવેતર 51645 હેકટરમાં થયું છે. બીજા ક્રમે મગફળીનું 65215 હેકટરમાં વાવેતર થયું છે. તેમજ શાકભાજીનું 2783 હેકટર, ઘાસચારાનું 19593 હેકટર, દિવેલાનું 4350 હેકટર, સોયાબીનનું 1465 હેકટરમાં અળદનું 1200 હેકટર, બાજરીનું 162 હેકટર, ગુવારનું 530 હેકટરમાં, મગનું 1376 હેકટર, તલનું 1527 હેકટર, અન્ય પાકોનું 2105 હેકટરમાં વાવેતર થયું છે. આમ મોરબી જિલ્લાનો કુલ વાવેતર વિસ્તાર 325925 માંથી 285417 હેકટરમાં વાવેતર થયું છે. જો કે અત્યારે વાવણીનું ચિત્ર સારું દેખાઈ છે. પણ આ વાવેતર માટે જોઈતું પિયત રૂપે વરસાદ આગળ ઉપર અનુકૂળ રીતે વરસે તો ખેડૂતોને ફાયદો થશે.

વાંકાનેરમાં 100 ટકા વાવેતર

મોરબી જિલ્લામાં સૌથી વધુ 91790 હેક્ટરમાં મોરબી તાલુકામાં 86.44 ટકા , ત્યારપછી હળવદમાં 86917 હેકટરમાં 79.44 ટકા, માળિયામાં 49079 હેક્ટરમાં 80.18 ટકા, ટંકારામાં 42047 હેક્ટરમાં 98.91 ટકા અને વાંકાનેરમાં 56092 હેક્ટરમાં 100 ટકા વાવેતર થયું છે

- text