સરદાર બાગ પાસે ખુલ્લી ગટરની કુંડીમાં રીક્ષા ખાબકી

- text


મોરબી : મોરબીમાં તંત્રની બેદરકારીને કારણે શહેરના જાહેર માર્ગ સરદાર બાગ પાસે રોડની વચ્ચોવચ ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં આજે સદનસીબે મોટી ઘાત સહેજમાં ટળી હતી. જેમાં પુરપાટ ઝડપે નીકળી રહેલી એક રીક્ષાનું ટાયર આ ગટરની ખુલ્લી કુંડીમાં એવી બુરી રીતે ફસાયું હતું કે રીક્ષા નમી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે રીક્ષા અંદર બેઠેલા પેસેન્જરોને હેમખેમ બહાર કાઢી લેતા જાનહાની ટળી હતી.

મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે આવેલી ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. વારંવાર આ ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડીમાં અનેક વાહનો ફસાતા હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા આજે વધુ એક ઓટો રીક્ષા ફસાઈ હતી. જેમાં અહીંયા પેસેન્જરો સાથે રોડ ઉપર પસાર થઈ રહેલી આ રીક્ષાનું ટાયર ગટરની કુંડીમાં બુરી રીતે ફસાઈ જતા અંદર બેઠેલા પેસેન્જરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પણ આસપાસના લોકોએ સલામત રીતે રિક્ષામાંથી મુસાફરોને બહાર કાઢી લેતા રાહત થઈ હતી.

- text

અત્રે ઉલ્લેખનીય સરદાર બાગ પાસે ખુલ્લી ભૂગર્ભની કુંડીમાં અનેક વાહનો ફસાઈ છે. છતાં તંત્રની ઉંઘ ઊડતી નથી. આ ઉપરાંત શહેરમાં ઘણા માર્ગો ઉપર ગટરની કુંડીમાં ઢાંકણા જ નથી. આવી ખુલ્લી કુંડીઓ રોડની વચ્ચોવચ હોય અને ઉપરથી વરસાદને લીધે પાણીથી તરબોળ આવી કુંડી ન દેખાતા વાહન ચાલકો તેમાં ખાબકે છે અને નાની મોટી ઇજા થાય છે. ત્યારે ખુલ્લી કુંડી કોઈનો ભોગ લે તે પહેલાં તંત્ર જાગે તેવી માંગ ઉઠી છે.

- text