પીપળીયા ચાર રસ્તે ટ્રક ચાલકને ક્લીનરે મોતને ઘાટ ઉતારી દીધો હોવાની ફરિયાદ નોંધાઈ

- text


ક્લીનર સાથે બનતું ન હોવાનું જણાવી મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રકમાંથી ટ્રક ચાલકની લાશ મળવા મામલે મૃતકના મોટાભાઈએ ટ્રકના ક્લીનરને શકદાર તરીકે દર્શાવી તેને જ તેમના ભાઈની હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરતા માળીયા પોલીસે નાસી છૂટેલા બનાસકાંઠાના વતની ટ્રક ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોરે પીપળીયા ચાર રસ્તા નજીક ટ્રકમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ટ્રક માલિકનો પતો મેળવી મૃતકની ઓળખ મેળવી હતી. વધુમાં મૃતક બનાસકાંઠાના ભાભોર તાલુકાના અસાણા ગામના લેરાજી ચમનજી બલોધણા ઉ.35 હોવાનું સ્પષ્ટ બન્યું હતું અને ટ્રક ક્લીનર બનાવ સ્થળે હાજર ન મળતા ટ્રક માલિક અને મૃતકના ભાઈઓએ ક્લીનર ઉપર હત્યા અંગેની શંકા વ્યક્ત કરી હતી.

દરમિયાન હત્યાના આ બનાવ અંગે મૃતક લેરાજીના મોટાભાઈ હિરાજી ચમનજી બલોધણા, રહે. અસાણા તા.ભાભર જી.બનાસકાંઠા હાલ રહે.સરસાવ તા.કડી જી.મહેસાણા વાળાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેમના ભાઈને ટ્રકના ક્લીનર દિનેશભાઇ વરસંગભાઇ રજપુત રહે.બેણપ તા.સુઇગામ જી.બનાસકાંઠા વાળા સાથે બનતું નહોય બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા તેમજ આગાઉ દીનેશભાઈએ મૃતક લેરાજીનો મોબાઈલ પણ લઈ લીધો હોય તેઓએ ટ્રક માલિકને ક્લીનર બદલવા કહ્યું હતું જેનો ખાર રાખી ક્લીનર દીનેશે જ આ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે ક્લીનર દિનેશ અને મૃતક ટ્રક ચાલક લેરાજીને બનતું ન હોય ટ્રક માલિકે આ છેલ્લી ટ્રીપ કરી લેવા કહેતા લેરાજી ભાવનગર નજીક સિહોરથી એમરી ભરી કચ્છ જવા આવતા હતા ત્યારે પીપળીયા ચોકડી નજીક આ બનાવ બન્યો હતો અને ટ્રક માલિકે જીપીએસ લોકેશન ટ્રેક કરતા ખોટી જગ્યાએ ટ્રક પડી હોવાનું માલુમ પડતા સમગ્ર બનાવ બહાર આવ્યો હતો.

હાલ ઘટના અંગે માળીયા પોલીસે મૃતક ટ્રક ચાલકના મોટાભાઈ હીરાજીની ફરિયાદને આધારે ક્લીનર દીનેશને શકદાર ગણી આઈપીસી કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

- text