ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ટંકારા ધારાસભ્ય લલિત કગથરાની મિટિંગથી રાજકીય ગરમાવો

- text


 

મોરબીની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે આવેલા ગૃહ મંત્રી સાથે ધારાસભ્ય કગથરાએ 15 મિનિટ ગુફતેગુ કરી : લલિતભાઈ કહે છે ગુપ્ત મિટિંગ ન હતી.

મોરબી : મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે મોરબી આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ બંધ બારણે પંદરેક મિનિટ મિટિંગ કર્યાની જોરદાર ચર્ચાઓ ઉઠી છે. અને આ મીટિંગ રાજકીય આગેવાનો ચર્ચાનો મુદ્દો બની છે. જો કે ધારાસભ્ય લલિતભાઈએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં ખુલ્લા બારણે જ મળ્યા હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

- text

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે આવતા જિલ્લા કલેકટર કચેરી ખાતે ધારાસભ્ય અને ભાજપ અગ્રણીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં ટંકારાના ધારાસભ્ય તરીકે લલિતભાઇને પણ આમંત્રિત હતા. પરંતુ તેઓ આ મિટિંગમાં હર્ષ સંઘવીને મળવાના બદલે મીટિંગ પૂર્ણ થયા બાદ ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ કલેકટર કચેરી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બંધ બારણે પંદરેક મિનિટ બેઠક કરી હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠી છે. આ મીટિંગને લઈને રાજકીય આગેવાનોમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.

દરમિયાન આ મામલે મોરબી અપડેટ ટંકારા ધારાસભ્ય લલિતભાઈ કગથરાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, મારા જિલ્લામાં ગૃહમંત્રી આવતા હોય તો મારે તેમને મળવાની ફરજ છે, વધુમાં ગૃહમંત્રી તેઓને કાકા કહીને બોલાવતા હોવાનું ઉમેરી બંધ બારણે નહિ પણ ખુલ્લા બારણે જ તેઓ મળ્યા હોવાનું અને આ મિટિંગમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત હોવાનું અંતમાં જણાવ્યું હતું.

 

- text