મોરબીની સરકારી શાળાઓના છાત્રો પણ રેન્કર ! આઠ એ-વન ગ્રેડમાં 

- text


વિદ્યાર્થીઓએ નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ અથાગ મહેનત કરી સિદ્ધિ મેળવી

મોરબી : હાલમાં શિક્ષણનું માળખું જ એવું થઈ ગયું છે કે, બોર્ડમાં સારા માર્કર્સ લઈ આવવા હોય તો પોતાના સંતાનોને ઉચામાં ઉંચી ખાનગી સ્કૂલમાં ભણાવા પડે. પણ આજે જાહેર થયેલા ધો.10 ના પરિણામે આ વાતને ખોટી ઠેરવી છે. મોરબીમાં ખાનગીની સાથે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ બોર્ડની પરીક્ષામાં મેદાન માર્યું છે. જેમાં મોરબી જિલ્લાની આઠ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા છે.

મોરબી જિલ્લામાં આ વખતે ધો.10ની પરીક્ષામાં 304 જેટલા વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યા છે. જેમાં સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓની પણ નાની સુની સિદ્ધિ નથી. મોટાભાગના સામાન્ય વર્ગના લોકોના સંતાનો જ સરકારી સ્કૂલમાં ભણતા હોય છે. આ વિદ્યાર્થીઓએ નબળી આર્થિક પરિસ્થિતિ વચ્ચે પણ અથાક પુરુષાર્થથી સિદ્ધિ મેળવી છે. કુલ 112 જેટલી સરકારી શાળા છે. અને આ શાળાઓનું અંદાજે 65 % જેટલું રીઝલ્ટ આવ્યું છે. જેમાં આઠ સ્કૂલે મેદાન માર્યું છે. જેમાં માળીયાના મોટાભેલા ગામની જીવરાજભાઈ થોભણભાઈ પટેલ સ્કૂલના વિદ્યાર્થી ગઢિયા ખુશી જગદીશભાઈએ 91.50 ટકા અને 98.86 પીઆર મેળવ્યા છે. તેના પિતા ખેતી કરે છે અને વગર ટ્યુશને મહેનત કરીને આ સિદ્ધિ મેળવી છે.આ સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલની જેમ જ અમારી શાળામાં પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓનો 100 ટકા કોર્સ પૂરો કરી કસોટીની પણ પ્રેક્ટિસ કરવામાં આવતી હતી.

- text

માળીયાના ખાખરેચીની હાઇસ્કુલમાં ભણતો થરોદા રુદ્ર દિલીપભાઈએ 92.33 ટકા અને 99.15 પીઆર મેળવ્યા છે. તેના પિતા પણ ખેતી કરે છે. ધો.1થી જ તે આ સરકારી શાળામાં ભણીને હોશિયાર બન્યો છે અને તેને આગળ એ ગ્રુપ રાખીને કલેકટર બનવાની ઈચ્છા છે.આ શાળા 60 જૂની હોય પણ પ્રથમ વખત એ ગ્રેડ મેળવ્યો છે.જ્યારે માળીયાના જુના ઘાટીલા ગામની હાઈ સ્કૂલની વિડજા નેવ્યા નવીનભાઈએ 90.51 ટકા અને 98.46 પીઆર મેળવ્યા છે તેના પિતા પણ ખેતી કરે છે. તેને ગાયનેક ડોક્ટર બનવાની ઈચ્છા છે. તેણીએ 16 કલાક મહેનત કરીને ઊંચું પરિણામ મેળવ્યું છે.

મોરબીની ગ્રાન્ટેડ એટલે સ.વ.પ.કન્યા વિદ્યાલયમાં ભણતી 362 વિદ્યાર્થીનીઓએ ધો.10ની પરીક્ષામાં આપી હતી.એમાંથી એકમાત્ર અમૃતિયા એશા ધીરેન્દ્રભાઈ નામની વિદ્યાર્થીનીએ 91.83 ટકા અને 98.98 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા સીરામીકમાં નોકરી કરે છે.તેણીને આગળ કોમર્સ રાખી માર્કેટીંગ ફિલ્ડમાં આગળ વધવાની ઈચ્છા છે. જ્યારે દોશી એન્ડ ડાભી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હડિયલ અમૃતલાલ દિનેશભાઇ 92.33 ટકા અને 99.15 પીઆર સાથે એવન ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા મજૂરી કામ કરે છે. આમ છતાં તેણે આપબળે સિદ્ધિ મેળવી છે.આ ઉપરાંત સંસ્કાર વિદ્યાલય, મયુરનગર – હળવદ , તીથવા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ A1 ગ્રેડ મેળવ્યો છે.

- text