સુરેન્દ્રનગર જિલ્લામાં આરોપી પકડવા ગયેલી મોરબી એલસીબી ટીમ ઉપર હુમલો

- text


ધજાળા નજીક આવેલા કસવાળી ગામે ચાલુ ડાયરામાં પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઝપાઝપી થતા 150થી 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામના કસવાળી ગામે આરોપી પકડવા ગયેલ મોરબી એલસીબી ટીમ તેમજ ધજાળા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપર ચાલુ ડાયરામાં હુમલો થયો હતો. સ્થાનિક લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા આ ઝપાઝપીમાં ધજાળા પોલીસ ટીમના પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ મામલે મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે 150થી 200 વ્યક્તિના ટોળા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર લીમડી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જો કે હજુ સુધી કોઈ આરોપીઓ ઝડપાયા નથી.

- text

મોરબી જિલ્લામાં ગુન્હામાં સંડોવાયેલ વનરાજ ઉર્ફે વનો જાદવ નામનો આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળાના કસવાળી ગામમાં યોજાયેલ ડાયરામાં હાજર હોવાની બાતમીને પગલે મોરબી એલસીબી ટીમ કસવાળી ખાતે દોડી ગઈ હતી અને દરમિયાન ચાલુ ડાયરામાં આરોપી પકડવા જતા મામલો બીચકતા ધજાળા પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પરંતુ ડાયરામાં હાજર લોકોના ટોળાએ કાયદો હાથમાં લઈ પોલીસ ટીમ ઉપર હુમલો કરતા આ ઝપાઝપીમાં ધજાળા પોલીસ મથકના કર્મચારીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા.

બીજી તરફ પોલીસ પાર્ટી ઉપર થયેલા આ હિચકારા હુમલા અંગે મોરબી એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ લક્ષ્મણભાઇ દ્વારા 150થી 200 લોકોના ટોળા વિરુદ્ધ ધજાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જો કે, મોરબી એલસીબી ટીમ ઉપર થયેલા હુમલામાં મોરબીના કોઈપણ પોલીસ જવાનને ઇજા ન પહોંચી હોવાનું એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાએ જણાવ્યું હતું.

- text