જોર કે ઝટકા ધીરે સે ! સીએનજી અને પીએનજી ગેસમાં રૂપિયા 3થી 6 સુધીનો વધારો

- text


ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશના પીએનજીમાં 6 રૂપિયા અને વાહનો માટેના સીએનજીમાં 3 રૂપિયા વધારો કર્યો : એકાદ બે દિવસમાં સિરામીક ઉદ્યોગને આકરો ડોઝ આપવા તૈયારી

મોરબી : ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશ માટે આપવામાં આવતા પાઈપલાઈન ગેસ અને વાહનોમાં ઇંધણ તરીકે વપરાતા સીએનજી ગેસના ભાવમાં રૂપિયા ત્રણથી લઈ છ રૂપિયાનો ભાવ વધારો ઝીકી દીધો છે. બીજી તરફ નેચરલ ગેસનો સૌથી વધુ વપરાશ કરતા સિરામીક ઉદ્યોગને આગામી એકાદ બે દિવસમાં જ ભાવ વધારાનો મોટો ઝાટકો આપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

- text

આંતરરાષ્ટ્રીય બજારમાં કુદરતી ગેસના ભાવમાં થયેલા વધારા ઉપરાંત રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધના અંગારા ભારતને દઝાડી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભાવ વધારા બાદ હવે ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશ અને વાહનમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા ત્રણથી લઈ છ સુધીનો ભાવ વધારો કર્યો છે. હાલમાં ગુજરાત ગેસ દ્વારા ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા પાઈપલાઈન ગેસના ભાવમાં 6 રૂપિયાનો યુનિટ દીઠ વધારો કર્યો છે. એ જ રીતે વાહનમાં ઉપયોગમાં લેવાતા સીએનજી ગેસના ભાવમાં રૂપિયા ત્રણનો વધારો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ગેસ કંપનીના સૌથી મોટા ગ્રાહક એવા સીરામીક ઉદ્યોગને આપવામાં આવતા નેચરલ ગેસના ભાવમાં હજુ સુધી વધારો કરાયો નથી. સંભવતઃ આગામી એકાદ બે દિવસમાં જ ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસના ભાવમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા હોવાનું ખુદ સીરામીક ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

- text