સિરામીક ઉદ્યોગનો ગેસનો મુદ્દો વિધાનસભામાં ગાજયો

- text


ગુજરાત ગેસ કંપની કરાર છતાં બ્લેક મેઈલ કરતી હોવાનો ધારાસભ્ય લલિત કગથરાનો આરોપ : સરકારના ઉર્જામંત્રીએ મહામારીમાં અછતને સામાન્ય ગણાવી

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબીના સિરામીક ઉદ્યોગને વર્તમાન સમયમાં ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ સપ્લાયમાં કાપ મુકતા આ મુદ્દો વિધાનસભામાં ગાજયો છે. ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ વિધાનસભામાં સિરામીક ઉદ્યોગને ગુજરાત ગેસ કંપની બ્લેક મેઈલ કરતી હોવાનો સણસણતો આક્ષેપ કરતા રાજ્ય સરકારના ઉર્જામંત્રીએ મહામારીને પગલે ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો હોવાનો બચાવ કર્યો હતો.

છેલ્લા છએક મહિનામાં મોરબીના સિરામીક ઉદ્યોગને આપવામાં આવતા ગુજરાત ગેસ કંપનીના ગેસના ભાવમાં બમણા જેટલા ભાવ વધારા બાદ 15 માર્ચથી ગેસ સપ્લાયમાં 20 ટકાનો કાપ ઝીકી દેવાતા હાલમાં મોરબી સિરામીક ફેક્ટરીઓને ગેસના અભાવે કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિ હોય ટંકારા પડધરી વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ વિધાનસભામાં ગેસનો પ્રશ્ન ઉઠાવી સરકારને ભીંસમાં લીધી હતી.

- text

ધારાસભ્ય કગથરાએ વિકાસ વિકાસની વાતો વચ્ચે રાજ્યના ટેકસટાઇલ અને સિરામીક જેવા મુખ્ય ઉદ્યોગને પડી રહેલી મુશ્કેલી અંગે પ્રશ્નનો મારો ચલાવી મોરબીના સિરામીક ઉદ્યોગકારોએ કરાર કર્યા હોવા છતાં ગુજરાત ગેસ કંપની બ્લેકમેઇલ કરી રહી હોય હાલમાં ઉદ્યોગને બંધ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાનું જણાવ્યું હતું.

બીજી તરફ ધારાસભ્ય લલિતભાઈ કગથરાના સવાલના જવાબમાં કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા સિરામીક ઉદ્યોગને નજર અંદાજ કરવામાં આવતો હોય તેવી રીતે ઉર્જામંત્રીએ હાલમાં મહામારીની સ્થિતિમા ગેસની અછત હોવાનું કારણ આગળ ધરી થોડા સમયમાં સ્થિતિ ફરી સરખી થઈ જશે તેવો ટીપીકલ જવાબ આપી પ્રશ્નનું ફિન્ડલું વાળી દીધું હતું.

- text