મોરબીમાં ઠેર- ઠેર હોલિકાનું દહન

- text


 

શહેરની તમામ શેરી-ગલી, મહોલ્લા અને વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન પરંપરા મુજબ રાત્રે હોળી પ્રગટાવી લોકોએ દર્શન કર્યા, હાલના આસુરી શક્તિ સમાન કોરોનાનું પણ દહન કરવાની લોકોએ પ્રાર્થના કરી

મોરબી : મોરબીમાં આજે હોળી પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હોલિકાનું પ્રાચીન પરંપરા મુજબ દહન કરવામાં આવ્યું હતું. શહેરની તમામ શેરી-ગલી, મહોલ્લા અને વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાચીન પરંપરા મુજબ રાત્રે હોળી પ્રગટાવી લોકોએ દર્શન કર્યા હતા અને હાલના આસુરી શક્તિ સમાન કોરોનાનું પણ દહન કરવાની લોકોએ પ્રાર્થના કરી હતી.

મોરબીમાં આજે હોળી પર્વ નિમિત્તે તમામ મોરબીવાસીઓમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો હતો. જેમાં બે વર્ષ પછી આ વખતે કોરોનાની.પરિસ્થિતિ એક્દમ બહેતર છે અને કોરોનાના ભયનું ક્યાંય નામોનિશાન ન હોવાથી લોકોમાં અગાઉના વર્ષોની જેમ જ ભયમુક્તપણે હોળી ઉજવવાનો આનંદ ચરમસીમાએ પહોંચ્યો હતો. આજે હોળીના દિવસે લોકો છેલ્લી ઘડી સુધી ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા હતા. બજારોમાં આજે ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ છેલ્લી ઘડી સુધી બજારોમાંથી ખજૂર, ધાણી, દાળિયા, ટોપરું, પતાસા તેમજ વિવિધ વેરાયટી ધરાવતી પિચકારીઓ અને જાતભાતના રંગબેરંગી પણ શરીરને નુકશાન ન થાય તેવા નેચરલ કલરોની મોટાપાયે ખરીદી કરી હતી. એ સાથે જ આજે હોળીના દિવસે રાત્રે નિયત સમયે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.

શહેરની દરેક શેરી-ગલી, વિસ્તારોમાં તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારોમાં ચોક વચ્ચે વર્ષોની પરંપરા મુજબ છાણાની મસમોટી હોળી કરીને જયઘોષ સાથે હોળીને પ્રગટાવવામાં આવી હતી. ઘણા વિસ્તારમાં સૌથી મોટી છાણાની હોળી વર્ષોની પરંપરા મુજબ પ્રગટાવવામાં આવે છે. જેમાં શહેરના રવાપર રોડ અને રવાપર ગામમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી હતી. એક અંદાજ મુજબ શહેરમાં 150 થી વધુ સ્થળોએ હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. લોકોએ પોત પોતાના વિસ્તારમાં શ્રીફળ સાથે હોલિકા માતાની પ્રદક્ષીણા કરી હતી. તેમજ હોળીમાં શ્રીફળ, ખજૂર, ધાણી, સહિતની વસ્તુઓ હોમીને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. જ્યારે નવવીવાહિત યુગલોએ પરિવાર સાથે સજીધજીને ઘરેથી ગીતો ગાતા ગાતા હોલિકા દહન સુધી પહોંચીને પરંપરા મુજબ હોલિકા માતાના દર્શન કર્યા હતા. જો કે હોળીની રાત્રે શહેરના ઘણા વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નાળિયેરથી અનોખી રમત રમવાની વર્ષોની પરંપરા મુજબ નવયુવાનો આજે પણ હોળીની રાત્રે નાળિયેરથી રમ્યા હતા.

- text

મોરબી

હળવદ

- text