ધો.6થી 12માં શ્રીમદ ભગવદ ગીતાના પાઠ ભણાવાશે : ધો.1 અને 2થી જ અંગ્રેજીનો વિષય ઉમેરાશે

- text


મોરબી : ગુજરાતની શાળાઓમાં હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ગુજરાત સરતારે નવી શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણયની જાહેરાત કરી છે. તમામ શાળાઓમાં ધોરણ 6થી ધોરણ 12ના ક્લાસમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ઘાંતો અને મૂલ્યોનો અભ્યાસ કરાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્યમાં સ્કૂલના બાળકો પણ પણ ગીતાના શ્લોકોનો પાઠ કરશે.

રાજ્ય સરકારે ભલામણ કરતાં શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ઠ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે. ધોરણ 6થી 8માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.

આ ઉપરાંત ધોરણ 9થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન-પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરાવવામાં આવે. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન, શ્લોકપૂર્તિ, વકૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવે અને ધોરણ 6થી 12 માટેનું સદર સાહિત/ અધ્યયન સામગ્રી (પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ વગેરે) આપવામાં આવે તેવી ભલામણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતના વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કાચો ન રહી જાય તે માટે હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-1 અને 2થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. ધોરણ-1 અને ધોરણ-2થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓનો અંગ્રેજીનો પાયો કોચા ન રહી જાય.

- text

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતી વિષય તો ફરજિયાત રહેશે જ પરંતુ આ તેની સાથે અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. વર્તમાન સમયમાં અંગ્રેજી આવડવું ઘણું મહત્વનું બની ગયું છે અને તેનું મહત્વ પણ વધ્યું છે. મલ્ટિનેશનલ કંપનીમાં નોકરીની વાત હોય કે પછી વિદેશમાં જવા માટે અંગ્રેજી ભાષાની જરૂર પડે છે. તેથી બાળકો નાનપણથી જ અંગ્રેજીમાં પકડ મજબૂત બનાવશે તો આગળ જતાં તેમને તકલીફનો સામનો કરવો પડશે નહીં. વિદ્યાર્થીઓના ભવિષ્યના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યા સહાયક ભરતીનું કામચલાઉ મેરિટ લિસ્ટ વિભાગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

 

ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝના વિવિધ અભ્યાસક્રમનો સમાવેશ કરાયો

પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે રાજયના યુવાઓને સરકારી સેવાનો વધુને વધુ લાભ મળે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ મહત્ત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ગ્રામસેવક વર્ગ-૩ની ભરતીમાં બેચલર ઑફ રુરલ સ્ટડીઝ અભ્યાસક્રમની વિવિધ શાખાઓનો સમાવેશ કરવાનો મહત્ત્વનો અને યુવાહિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

મંત્રી મેરજાએ ઉમેર્યું કે લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસરા દ્વારા પંચાયત સેવાની ગ્રામસેવક વર્ગ-૩ની ભરતી માટેની શૈક્ષણિક લાયકાતમાં બધા જ બી.આર.એસ. સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવા રાજ્ય સરકારને રજૂઆતો મળી હતી, જેને ધ્યાને લઈને આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ જણાવ્યું કે રાજયના વધુમાં વધુ યુવાનો ગ્રામવિકાસની કામગીરીમાં જોડાય અને પોતાની કારકિર્દી બનાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા સંવેદના દાખવી આ યુવાહિતલક્ષી નિર્ણય કરાયો છે. જે અનુસાર બેચલર ઑફ રુરલ સ્ટડીઝ (બી.આર.એસ.)નો પંચાયત સેવા વર્ગ-૩ની ભરતીમાં સમાવેશ કરવા માટે રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

- text