હળવદમાં જાહેર સ્થળોએ નવા શૌચાલય બનાવવા ચીફ ઓફિસરને રજુઆત

- text


મુખ્ય બજારમાં બનાવાયેલ શૌચાલયોને સ્વચ્છ અને આધુનિક બનાવવા પણ માંગ

હળવદ : હળવદની મુખ્ય બજારોમાં બનાવેલા શૌચાલયોનો ઉપયોગ વધુ થાય છે.પરંતુ મુખ્ય બજારોના શૌચાલયો ગંદકીથી ભરેલા હોવાથી લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે.જેથી આ શૌચાલયોનું નવીનીકરણ કરવામાં આવે અથવા નવા શૌચાલયો બનાવવામાં આવે તેવી માંગ મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રીએ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ કરી છે.

હળવદ શહેર દિવસે દિવસે વિકસી રહ્યું છે ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વડા મથક એવા હળવદમાં શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં ખરીદીમા આવતા હોય હળવદની મુખ્ય બજારોમાં આવેલ જાહેર શૌચાલયની સ્થિતિથી મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને મહિલાઓને વધુ મુશ્કેલીઓ પડે છે.

- text

વધુમાં હળવદ શહેરમાં આવેલ તમામ જાહેર શૌચાલયોમાં એટલી બધી ગંદકી છે કે ત્યાં કોઈપણ વ્યક્તિ બે મિનીટ ત્યાં ઉભા ના રહી શકે. ગંદકી પાછળનું મુખ્ય કારણ છે કે ત્યાં પાણીની કોઈ વ્યવસ્થા જ નથી આ શૌચાલયોનું નવીનીકરણ થાય અને સતત પાણીની વ્યવસ્થા વાળા અને આધુનિક સુવિધાઓથી સુસજ્જ જાહેર શૌચાલયો બનાવવામાં આવે ઉપરાંત સરા ચોકડી પાસે સ્ત્રીઓ અને પુરુષો માટે આધુનિક નવું જાહેર શૌચાલય બનાવવામાં આવે જેથી હળવદના નાગરિકોને પ્રાથમિક અને જીવન જરૂરી સુવિધા સારી રીતે મળી રહે.

હળવદ શહેરની જાહેર સુવિધા મામલે મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનકુમાર રાજેન્દ્રકુમાર દવેએ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરને મુદ્દાસર રજુઆત કરી છે ત્યારે જોવું એ રહ્યું કે ભાજપ આગેવાનની આ મહત્વપૂર્ણ રજૂઆતને નગરપાલિકા તંત્ર કેટલી ગંભીરતાથી લે છે.

- text