12 માર્ચ : ઇતિહાસમાં અપૂર્વ એવી ગાંધીજીની દાંડીયાત્રાના પ્રારંભને આજે 92 વર્ષ પૂર્ણ

- text


દાંડીકૂચને નેતાજીએ નેપોલિયનની પેરિસ માર્ચ સાથે તો મહાદેવભાઈએ ગૌતમ બૂદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવેલી

અંગ્રેજોએ રોજિંદા વપરાશની વસ્તુ નમક પર આકરો વેરો નાખ્યો ને ગાંધીજીનો પુણ્ય પ્રકોપ જાગ્યો. ભારતની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર દાંડીયાત્રાના પ્રારંભ થયો. 1930માં 12મી માર્ચનો દિવસ આઝાદી તરફ પ્રયાણનો યાદગાર દિવસ છે. ઇતિહાસમાં અપૂર્વ એવી દાંડીયાત્રાને આજે 92 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે બાપુના ચપટી મીઠાના અમર સત્યાગ્રહ ‘દાંડી યાત્રા’ની તવારિખ યાદ કરીએ.

સવિનય કાનુનભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે મીઠાના કયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચ, 1930ની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોએ મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવા તેમણે અનુરોધ કર્યો. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં એટલે કે હાલના ગાંધી આશ્રમમાં 12 માર્ચ, 1930ના રોજ આશ્રમની બહાર હજારોની લોકમેદની ભેગી થઇ હતી. લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તતો હતો.

ખરેજીએ “રઘુપતિ રાઘવ રાજારામ”ની ધૂન ઉપાડી. “હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને” એ ભજન ગાયું. એ પછી કસ્તૂરબાએ ગાંધીજીને કંકુનો ચાંલ્લો કરી તેમને હાર પહેરાવ્યો. બરાબર છને વીસે આશ્રમની બહાર આવી મંગળ પ્રયાણ કર્યુ. પાછળ 78 સત્યાગ્રહીઓ ચાલતા હતા. ખરેજી તંબૂરો લઈને આગળ ચાલતા હતા. આ દ્રશ્ય હૃદયને પીગળાવી દે એવું પાવક હતું. ગાંધીજીના પગલે પગલે પછી તો માનવ મહેરામણ ઉમટવા લાગ્યો. જુવાનને શરમાવે એવી ચાલથી બાપુ દોડ્યા, સૌને દોડાવ્યા ને પાંચમી એપ્રીલે, ઉગતી ઊષાએ કરાડી ગામથી ‘દાંડી’ જવા નીકળ્યા ત્યારે તો ‘જન આંદોલન’ વિશ્વકક્ષાએ પડઘમ દેવા લાગ્યું.

- text

29 માર્ચ, 1930ના રોજ દાંડીયાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, ‘હું કાગડા-કુતરાના મોતે મરીશ, પરંતું સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.’ આ દાંડીયાત્રાનું અંતર અમદાવાદથી આશરે 370 કિમી જેટલું હતું. દાંડીયાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં નગરોમાં સભાઓ કરી લોકોને સવિનયકાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવાનો તેની સાચી સમજ આપી. દાંડીયાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગ્રત કરવા ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ, 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મૂઠી મીઠું લઈ, મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી.

દાંડીના દરિયાકિનારે અગરમાંથી મીઠું ઉપાડતા ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મૈને નમક કા કાનૂન તોડ દિયા! અને ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે ‘હુ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું.’ ઉલ્લેખનીય છે કે નેતાજી સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાની સરખામણી નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કરી હતી. તો મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બૂદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવી હતી. આ આંદોલનની સૌથી મોટી સફળતા એ હતી કે તેમાં મહિલાઓની સક્રિય ભાગીદારી હતી.

- text