મનગમતા માણીગર, અખંડ સૌભાગ્ય તથા સ્વસ્થ સંતતિ આપતા ગોરમાંના જયા-પાર્વતી વ્રતનો આજથી પ્રારંભ

- text


આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે

જયા પાર્વતી વ્રતની શરૂઆત ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ મહિનામાં શુક્લ પક્ષની ત્રયોદશીથી થાય છે. જે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજ પર સમાપ્ત થાય છે. આ વર્ષે જયા પાર્વતીનું વ્રત આજે તા. 22 જુલાઇથી શરૂ થશે. આ દરમિયાન મહાદેવ શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

માન્યતા એવી છે કે વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો પરિણીતાઓને અખંડ સૌભાગ્ય તથા સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે. આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે.

જયા પાર્વતી વ્રતના પ્રથમ દિવસે કુમારિકાઓ વાવેલા જવારાને નાગલા ચડાવી, અક્ષત-કંકુ દ્વારા ષોડશોપચાર પૂજા કરે છે. શિવલિંગને જળ અર્પણ કરે છે. પ્રતિકાત્મક રૂપે ખેતર ખેડી ધાનની વાવણી કરે છે. પૂજા બાદ કન્યાઓ શિવ પાર્વતી પાસે મનગમતો ભરથાર માંગી, અખંડ સૌભાગ્ય તથા સુસંતતિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરે છે. વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે. છઠ્ઠા દિવસે પારણાં કરી વ્રતની પૂર્ણાહૂતિ કરે છે.

પૌરાણિક માન્યતા મુજબ આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું. તેમજ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી ‘જય જય ગિરીબર રાજ કિશોરી’ પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી. અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.

જયા-પાર્વતી વ્રતની કથા

કહેવાય છે કે બ્રાહ્નણ દંપતી વામન અને સત્યાને એક વાતનું દુ:ખ સતત રહ્યાં કરતું. એક દિવસ દેવર્ષિ નારદ ફરતાં ફરતાં તેમના આંગણે આવી ચઢ્યા. બ્રાહ્નણે તેમને આવકારો આપી તેમની પૂજા કરી. પૂજા કરતાં કરતાં બ્રાહ્નણની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. આ જોઇને દેવર્ષિ નારદને આશ્ચર્ય થયું કે બ્રાહ્નણ સુખી-સંપન્ન હોવા છતાં કેમ રડે છે!

- text

દેવર્ષિએ દુ:ખનું કારણ પૂછતાં બ્રાહ્નણે કહ્યું, ‘પરમાત્માએ મને સઘળું સુખ આપ્યું છે, પરંતુ સંતાનની ખોટ છે. જેના માટે અમે પતિ-પત્ની સદાય દુ:ખી રહીએ છીએ.’ નારદજીએ બ્રાહ્નણને રસ્તો બતાવતાં કહ્યું કે, ‘તું અને તારી પત્ની ગામ બહાર જંગલમાં જજો. જ્યાં એક શિવાલય છે. આ શિવાલયની ઘણા દિવસથી કોઇએ પૂજા કરી નથી. જો આપ બંને તે શિવાલયમાં જઇ ભગવાન ભોળાનાથજી અને પાર્વતીજીની પૂજા કરશો તો ભોળાનાથ અને પાર્વતીજી ખુશ થઇને તમારું દુ:ખ અવશ્ય દૂર કરશે.’

બ્રાહ્નણ દંપતી ગામની બહાર જંગલમાં ગયું. ત્યાં દૂર શિવાલય દેખાતા તેઓએ ઘણા દિવસ સુધી શંકર-પાર્વતીજીની પૂજા કરી. તેમની શ્રદ્ધા અને ભક્તિ જોઇ માતા પાર્વતીજીએ તેમને વરદાન માંગવાનું કહ્યું. દંપતીએ માતા પાર્વતીજી પાસે સંતાનપ્રાપ્તિની ઇચ્છા દર્શાવી. માતા પાર્વતીજીએ સત્યાને કહ્યું કે, અષાઢ મહિનાની સુદ તેરસથી પાંચ દિવસ સુધી તમે વ્રત કરજો. સત્યાએ પાર્વતીજીના કહેવા પ્રમાણે વ્રત કર્યું. જેના પરિણામે દંપતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ અને દંપતીની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થઇ હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text