મોરબી નગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરીની પૂર્વ તૈયારી આરંભી

- text


દર વર્ષે ચોમાસા દરમ્યાન જળબંબાકારની ઉભી થતી પરિસ્થિતિ નિવારવા તંત્ર થયું સજ્જ:

મોરબી: દર વર્ષે ચોમાસા દરમ્યાન મોરબીમાં જળ જમાવની સ્થિતિ ઉભી થતી હોય છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા માટે ચોકઅપ થઈ ગયેલી ભૂગર્ભ ગટર, વોંકળા અને નાળા જવાબદાર હોવાનું જગ જાહેર છે. ત્યારે આવનારા ચોમાસા પહેલા મોરબી પાલિકા તંત્રએ પ્રિમોન્સૂન કામગીરીની પણ પૂર્વ તૈયારી શરૂ કરી છે.

નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સુરેશભાઈ દેસાઈ સહિતના સભ્યોએ શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે વોકળા, નાલા અને બુગદાની સફાઈ કરાવવા માટે ટેન્ડર બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે. શુક્રવારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાલિકાની મુલાકાત દરમ્યાન ચોમાસા પૂર્વેની આ કામગીરીને બિરદાવી હતી.

ઉપરોક્ત પૂર્વ તૈયારીના અન્વયે રવાપર રોડ કેનાલ ચોકડીથી પંચવટી-સુભાષનગર થઈ નરસંગ ટેકરી પાછળ, હીરાસર માર્ગ થઈ એવન્યુ પાર્ક પાછળ થઈ સાયન્ટિફિક રોડ, વજેપર નાલા, જયહિંદ ટાઇલ્સ પાછળથી આઠ નાલા નદી સુધી સઘન સફાઈ થશે.

- text

જ્યારે શનાળા રોડ દત્તાત્રેય મંદિરથી રામચોક નાલાથી મોરબી નાગરિક બેન્ક નીચે થઈ વાઘપરા નાલા થઈ કબીર ટેકરી, રોયલ ટાઇલ્સથી રબારીવાસથી હરિજનવાસ થઈ નાલા સુધીની લાઈન. બિસ્મિલા હોટેલથી બુઢાવાળી શેરીથી લઈને ખાખરેચી દરવાજા સુધીની ગટર લાઈન, વાવડી રોડ પર આસ્વાદ પાછળ, મહેન્ડરપરા 3થી માધાપર નાલાની અંડરગ્રાઉન્ડ પાઇપ લાઈન તેમજ બાયપાસ સુધીની બુગદાની સફાઈ કરાશે. જ્યારે લુવાણાપરાથી પોલીસલાઈન થઈ વજેપરના નાલા સુધી અન્ડરગ્રાઉન્ડ ગટરની સફાઈ તથા અંબિકારોડથી સોમૈયા સોસાયટી નાલા થઈ રામપાર્ક નાલા, રેલવે કોલોની પાછળ થઈ નવલખી રોડ, કુબેર નગર નાલા થઈ રામપાર્ક નાલાથી નવલખી ફાટકથી સેન્ટમેરી સ્કૂલ નાલાથી ઘુતારીના નાલા સુધી તથા સો ઓરડી ભઠ્ઠાવાળી લાઈન, આઠ ઓરડીથી સાયન્સ કોલેજ સામે, પરશુરામ પોસ્ટ ઓફિસથી પોટરી રોડ, રાજપૂત બોર્ડિંગ સામે, ક્રિકેટ ગ્રાઉન્ડ થઈ રેલવે વર્કશોપ થઈ નદી સુધી તથા વીસી હાઈસ્કૂલ રોડ, ગર્લ્સ હાઈસ્કૂલ અંદર પ્રજાપત રોડથી ધોળેશ્વર નદીના ઢાળ સુધી, શનાળા રોડ પર ઘુતારીનું નાલું, સર્કિટ હાઉસ સામેનો વોકળો, પંચાસર રોડ, ગીતા ઓઈલ સામેનો બુગદો, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો વોકળો અને શોભેશ્વર રોડ સ્થિત રચના સોસાયટીના નાળામાં સફાઈ થશે તેવું એક યાદીમાં જણાવાયું છે. જો કે, કાગળ પરનું આયોજન વાસ્તવિક કામગીરીમાં પરીણમશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે.

- text