મોરબીને સમયસર જરૂરિયાત મુજબ લિકવિડ ઓક્સિજન નહિ મળે તો સેંકડો મોત થશે

- text


સિરામિક એસોસીએશનના ઓક્સિજન પ્લાન્ટને ત્વરિત લિકવિડ ઓક્સિજન મળે તો મોરબીની તમામ જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેમ છે

સિરામિક ઉદ્યોગકારોની કેન્દ્ર – રાજ્ય સરકારને આજીજી : 100થી વધુ ઉદ્યોગકારો સતત ઓક્સિજન માટે દોડભાગ કરે છે

મોરબી : કોરોના મહામારીમાં મોરબી જિલ્લાને મળતા ઓક્સિજનના જથ્થામાં અડધો અડધ કાપ મૂકી દેવાતા સિરામિક એસોસીએશન દ્વારા યુદ્ધના ધોરણે પાંચેક કરોડના ખર્ચે પાંચથી છ દિવસમાં 1000 બોટલ રિફિલ થઈ શકે એવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરી દેવાયો છે પણ આ પ્લાન્ટ માટે જરૂરી લિકવિડ ઓક્સિજન ન મળતા હાલમાં મોરબીમાં સેંકડો દર્દીના મોત થાય તેવી સ્થિતિ સર્જાતા સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ તાકીદની પ્રેસ કોંફરન્સ યોજી કેન્દ્ર – રાજ્ય સરકારને લિકવિડ ઓક્સિજન માટે રિતસર આજીજી કરી છે.

આજે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ રાજુભાઇ પટેલ, નિલેશભાઈ જેતપરિયા, મુકેશભાઈ કુંડારિયા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ અંગે ખૂબ જ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ મોરબીને જરૂરત મુજબ ઓક્સિજન મળતો હતો. પરંતુ 15 એપ્રિલ બાદ ઓક્સિજનના જથ્થામા કાપ મૂકી દેવાયો છે.

વધુમાં સીરામીક એસોસીએશનના રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે હાલમાં મોરબીને રેમડેસીવીરમાં ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. એ જ રીતે કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઓક્સિજનની તાતી જરૂરિયાત હોવા છતાં રાજકોટ, કચ્છથી મળતા જથ્થામાં કાપ મૂકી દેવાતા હાલમાં ભાવનગરથી ઓક્સિજન મળે છે અને તે પણ કુલ જરૂરિયાતના 50 ટકા જ મળે છે. આ પરિસ્થિતિમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા પાંચથી છ દિવસમાં જ 1000 બોટલ ભરાઈ શકે તેવો ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે. પરંતુ કેન્દ્ર, રાજ્ય સરકાર લિકવિડ ઓક્સિજન ત્વરિત આપતી ન હોય આ પ્લાન્ટ ઉભો થવા છતાં મોરબીને ઓક્સિજન મળવો મુશ્કેલ બન્યો છે. જેના કારણે સેંકડો કોરોના દર્દીઓ માટે જીવનું જોખમ ઉભું થયું છે.

આ મામલે સિરામિક એસોસિએશનના મુકેશભાઈએ ઉમેર્યું હતું કે હાલમાં મોરબીને સમયસર ઓક્સિજન મળે તે માટે સમાજના આગેવાનો અને 100 જેટલા ઉદ્યોગપતિ દિવસ રાત એક કરી રહ્યા છે. આ સંજોગોમાં સાંસદ મોહનભાઇ કુંડારિયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ પણ મોરબી માટે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ ત્વરિત લિકવિડ ઓક્સિજન માટે રજુઆત કરી ચુક્યા છે. પરંતુ આશ્વાસન મળ્યા છે તે પૂરતા નથી.

- text

દરમિયાન સિરામિક એસોસિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે મોરબીને જો સમયસર ઓક્સિજન નહિ મળે તો બહુ મોટી ખુવારી થઈ શકે તેમ છે. હાલમાં સિરામિક એસોસિએશન દ્વારા દિવસ રાત એક કરી સમગ્ર દેશમાં ખૂબ જ ટૂંકા સમયમાં ઓકિસજન પ્લાન્ટ ઉભો કરી દીધો છે. જે કાર્યરત થાય તો મોરબીની તમામ ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ થઈ શકે તેમ છે. જેથી પળવારનો પણ વિલંબ કર્યા વગર સરકાર મોરબીને 12 ટન લિકવિડ ઓક્સિજન ફાળવે તેવી માંગ દોહરાવી હતી. સાથો સાથ આવનાર દિવસોમાં હજુ પણ મોરબી સિરામિક એસોસિએશન આવા ચારથી પાંચ બીજા પ્લાન્ટ ઉભા કરવાની તૈયારીમાં હોવાનું પણ તેમને ભારપૂર્વક જણાવી મોરબીમાં કોરોનાથી મોતનો આકડો વધુ મોટો થાય તે પૂર્વે કેન્દ્ર રાજ્ય સરકાર વહેલામાં વહેલી તકે જરૂરિયાત પ્રમાણે લિકવિડ ઓક્સિજન ફાળવે તેવી માંગ ઉઠાવી હતી.

- text