કોરોના સંક્રમણ અટકાવવા બ્રિજેશ મેરજાએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી બેઠક

- text


સંબંધિત તંત્ર પાસેથી માહિતી મેળવી, સમીક્ષાત્મક ચર્ચા કરી અધિકારીઓને આપ્યા સૂચન

મોરબી: મોરબીમાં કોરોના સંક્રમણને રોકવા તેમજ કોરોનાના પોઝીટિવ દર્દીઓને મોરબીમાં જ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાથ ધરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી વહીવટી તંત્રને વ્યવસ્થાઓ પ્રોપર બનાવવા ખાસ તાકીદ કરી હતી.

મોરબીના પ્રભારી સચિવ મનીષાબેન ચાંદ્રા, ક્લેકટર જે.બી. પટેલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી કેતન જોશી સાથેની બેઠકમાં રેમડેસીવીર ઇન્જેકશનો પૂરતા પ્રમાણમાં મળે, RT-PCR અને રેપિડ ટેસ્ટમાં પણ ગતિ આવે, સિવિલ હોસ્પિટલની હાલની બેડની ક્ષમતામાં વધારો કરવા અને કોવિડ સંલગ્ન ખાનગી હોસ્પિટલના દર્દીઓને દાખલ કરવા વધુ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેના ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા માટે મેરજાએ વિચાર વિમર્શ કર્યો હતો.

મોરબી સિવિલ હોસ્પીટલમાં ઓક્સિજન સાથેની બેડની સુવિધા વધારવા, મહાનગર પાલીકાઓની જેમ મોરબીમાં પણ કન્ટેન્ટમેન્ટ ઝોન પાડવા, દરરોજ મોરબીની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા, દર્દીઓની સારવાર અંગેની તત્કાળ માહિતી જવાબદાર અધિકારી દ્વારા લોકો સમક્ષ નિયમિત મુકાય, કાર્યરત હેલ્પલાઈનને વધુ સુસજ્જ કરી અપડેટેડ માહિતી હેલ્પલાઇન દ્વારા લોકોને મળી રહે એ બાબત પર મેરજાએ ભાર મુક્યો હતો. રિજિયોનલ ડેપ્યુટી ડિરેકટર ડૉ. રૂપાલીને તાકીદ કરી હતી કે, મોરબી હોસ્પીટલમાં ઓક્સિજનના નવા પોઇન્ટ ઊભા કરવા, બાયોમેડિકલ ઈજનેરની પણ સુવિધા ઉપલબ્ધ કરવી જરૂરી છે. સાથોસાથ મોરબી સરકારી હોસ્પીટલમાં ઓક્સિજનની જરૂરિયાત માટે લિક્વિડ ઓકિસજન ટેન્કની સુવિધા તાકીદે મંજૂર કરવી અનિવાર્ય છે એમ ભારપૂર્વક જણાવ્યું હતું.

- text

આ ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માળીયા (મીં) તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અંગે સંબંધિત ડોક્ટરો અને ક્ષેત્રિય અધિકારીઓએ સાથે સતત સંપર્કમાં રહી ખાખરેચી ખાતે પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં સ્થાનિક અગ્રણીઓ, દિનેશભાઈ પારજીયા સહિતના સહયોગથી 20 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે તેમ જણાવ્યું હતું. સરવડ ગામે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્થાનિક રહીશોના સૌજન્યથી શાળામાં 16 બેડની વધુ સુવિધા ઊભી કરાયેલ છે. વવાણિયા ખાતે ઉચ્ચતર હાઈસ્કૂલમાં જયદીપ ગ્રુપ દ્વારા વધુ 25થી 50 સુધીના બેડની સુવિધા કાર્યરત થયેલ છે તેની માહિતી આપી હતી. વવાણિયા ખાતે દર્દીઓને જમવાની સુવિધા પણ ટિફિન દ્વારા રામબાઇના મંદિર દ્વારા ઉપલબ્ધ કરાયેલ છે જે આર્શિવાદરૂપ છે તેમ જણાવ્યું હતું. જૂના ઘાંટીલા ગામે પંચવટી વિસ્તારમાં જૈન ઉપાશ્રયમાં 10 બેડ તેમજ માળીયા (મીં) ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત વધારાની 20 બેડની સુવિધા માળીયા (મીં) પ્રોપરમાં ઉપલબ્ધ કરાવાય તે માટેની ગતિવિધિ તેજ બની હોવાનું ઉમેર્યું હતું. મોરબી સિવિલ હોસ્પીટલમાં વધારાના 1600 જેટલા રેમડેસીવીર ઇન્જેકશનો તાકીદે ઉપલબ્ધ કરાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સતત ફોલોઅપ કર્યું છે. જિલ્લાના પોલીસ વડા સુબોધ ઓડેડરાને રૂબરૂ મળીને કોરોના કર્ફ્યુ અંતર્ગત લોકહિતમાં જરૂરી પરામર્શ પણ કર્યો હતો. મોરબીની કોરોના સંલગ્ન ખાનગી હોસ્પિટલના સંબધિત ડોક્ટરો સાથે પણ સતત સંપર્કમાં રહીને કોરોનાના પોઝીટિવ દર્દીઓને દાખલ કરવાથી માંડીને તેમની સાર સંભાળની ચિંતા પણ ધારાસભ્ય સેવી રહ્યા હોવાની માહિતી તેઓએ આપી હતી.

મોરબીના એકપણ કોરોનાના પોઝીટિવ દર્દીને મોરબી બહાર સારવાર લેવા જવું ન પડે તેવી સુવિધા વધુ વિકસાવવા કોર ગ્રુપની આ બેઠકમાં ધારાસભ્યએ ખાસ તાકીદ કરી હતી. મોરબીમાં સમસ્ત સતવારા સમાજ આઇસોલેશન સેન્ટર દ્વારા એમ.ડી. કક્ષાના ડોકટરોની સેવા સાથે કાર્યરત કોરોના સેન્ટરના રહેલા પોઝીટીવ દર્દીઓ માટે ડોક્ટરના પ્રિક્રિપ્શન ઉપર રેમડેસીવીર ઈન્જેકશનની સુવિધા મળે તેવી માંગણી પણ મંજૂર કરવા કલેકટરને જરૂરી ભલામણ પણ કરી હતી. મોરબી સરકારી હોસ્પીટલમાં સતત કાર્યરત રહેતા ડેપ્યુટી કલેક્ટર ઝાલા, ઓક્સિજનનો જથ્થો પૂરો પાડતા જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ. સરડવા તથા સિવિલ સર્જન ડૉ. દૂધરેજીયા, સબંધિત તબીબી અધિકારીઓએ સાથે દર્દીઓના હિતમાં અને દર્દીઓના સગાને મુશ્કેલી ન પડે તે રીતે સહાયભૂત થવા પણ ધારાસભ્ય સતત જાગૃત રહીને સૂચનાઓ આપી રહ્યા છે તેવું એક યાદીના અંતમાં મેરજાએ જણાવ્યું હતું.

- text