મોરબી જિલ્લામાં કાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત

- text


મોરબી જિલ્લાની ત્રણ પાલિકા, પાંચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવતા રાજકીયપક્ષો

મોરબી : આગામી તા. ૨૮ ફેબ્રુઆરીએ મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ત્યારે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર દ્વારા જોર-શોરથી પ્રચારકાર્ય કરવામાં આવી રહ્યું છે. જોકે, આવતીકાલે સાંજે ચૂંટણીપંચની ગાઈડલાઈન મુજબ પ્રચાર પડઘમ શાંત પડી જશે.

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો તેમજ જિલ્લાની કુલ 5 તાલુકા પંચાયતની 102 અને મોરબી, માળીયા તથા વાંકાનેર નગરપાલિકાની 26 વોર્ડની 104 બેઠકો માટે મોરબી જિલ્લામાં કુલ 616 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. નિષ્પક્ષ અને નિર્ભીક વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા વહિવટી તંત્રે દ્વારા પણ તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે પણ કુલ 861 પૈકી 136 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરી બંદોબસ્ત માટેનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

- text

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ચિત્ર જોઈએ તો જિલ્લા પંચાયતની 24 બેઠક માટે 76 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે એ જ રીતે તાલુકા પંચાયતની સ્થિતિ જોઈએ તો મોરબી તાલુકા પંચાયતની 26 બેઠક માટે 78, માળિયાની 16 બેઠક માટે 41, ટંકારાની 16 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થતા 15 બેઠક માટે 47,વાંકાનેરની 24 બેઠક માટે 69 અને હળવદ તાલુકા પંચાયતની 20 બેઠક માટે 51 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લામાં પાલિકાની સ્થિતિ જોઈએ તો મોરબી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે 131, વાંકાનેર પાલિકામાં 7 વોર્ડની 28 બેઠકો માટે 69 અને માળીયા નગર પાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે કુલ 54 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

દરમિયાન રવિવારે મતદાન હોય ૪૮ કલાક અગાઉ એટલે કે આવતીકાલે સાંજે ૫ વાગ્યાથી મોરબી જિલ્લામાં જાહેર પ્રચાર – પ્રસાર પડઘમ ઉપર પ્રતિબંધ લાગી જશે અને શનિવારે રીસીલીંગ – ડીસ્પેચીંગ સેન્ટર ઉપરથી ચૂંટણી સ્ટાફ રવાના થઇ જશે અને રવિવારે સવારે ૭ થી સાંજે ૬ સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.

- text