મોરબી પાલિકાની ચૂંટણી બની લોહિયાળ : સવારે ભાજપ-કોગસેના કાર્યકરો વચ્ચે ઝપાઝપી બાદ સાંજે કોંગ્રેસના કાર્યકર ઉપર ખૂની હુમલો

- text


વોર્ડ નંબર 1ના પ્રમુખ કનુભાઈ લાડલાના ઘર પર અજાણ્યા શખ્સો ધોકા પાઇપ અને પથ્થરો સાથે તૂટી પડ્યા : કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતી ઘટના : મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાર્યકર પરના જીવલેણ હુમલાની ઘટનાથી રડી પડ્યા  

મોરબી: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઝપાઝપી અને મારામારીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે આજે સવારે મોરબીમાં ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઇ અવાડીયા અને કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નોહતી અને બંને પક્ષે સમાધાન થઇ ગયાની ચર્ચાની વચ્ચે આજે ઢળતી બપોરે વાવડીરોડ સ્થિત સોસાયટી વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકર્તા અને વોર્ડ નંબર 1 કોંગ્રેસના પ્રમુખના ઘર પર એક ટોળાએ ઘાતક હથિયારોથી હિચકારો હુમલો કરતાં સનસનાટી મચી ગઇ છે.

વાવડી રોડ સ્થિત સોસાયટી વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 1ના કોંગ્રેસ પ્રમુખ કનુભાઈ ઉર્ફે કર્નલ નરશીભાઈ લાડવા અને તેના ભાઈ હરીભાઈ નરશીભાઈ લાડવા પર એક ટોળાએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. આ ઘટના વિશે વધુ માહિતી આપતા કર્નલ લાડવાના પત્ની શિલ્પાબેન લાડવાએ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે, તેમના પતિ કર્નલ લાડવા અને તેમના જેઠ હરિભાઈ લાડવા બહારથી ઘરે આવ્યા કે તરત જ તેમની પાછળ પાછળ ઘાતક હથિયારો સહિત એક ટોળું ધસી આવ્યું હતું. ટોળા તમામના હાથમાં હોકી, લાકડીઓ, પાઈપ, છરી, તલવાર જેવા ઘાતક હથિયારો હતા. હજુ કોઈ કઈ સમજે એ પહેલાં જ પરિવારના સભ્યો પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો.

સોસાયટીના માર્ગ પર જાહેરમાં થયેલા હુમલાથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આ હુમલા દરમિયાન શિલ્પાબેન લાડવા અને તેમના સાસુને પણ લાકડીઓ ફટકારવામાં આવી હતી અને ઝપાઝપીમાં નીચે પાડી દેવામાં આવ્યા હતા. કર્નલના પત્ની શિલ્પાબેને વધુમાં જણાવ્યું હતું કે, તેઓ હુમલાખોરોને ઓળખતા નથી, હુમલાખોરોએ મોઢા પર રૂમાલ અને બુકાની બાંધી હતી. આ બનાવને લઇને મોરબીમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

- text

ઉપરોક્ત બનાવ સંદર્ભે વાત કરતાં મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરા રડી પડ્યા હતા. કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિથી તેઓ વ્યથિત જણાયા હતા. બનાવની જાણ થતાં જ એ ડિવિઝનનો પોલીસ કાફલો, ડીવાયએસપી સહિત ઘટના સ્થળે ધસી ગયો હતો. કર્નલ તેમજ તેમના ભાઈને પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. હોસ્પિટલ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉમટી પડતા તણાવ સર્જાયો હતો. હાલ હોસ્પિટલ ખાતે અને કર્નલ લાડવાના ઘેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text