મોરબી પાલિકામાં ટીકીટના મુદ્દે ભાજપ સામે બ્રહ્મસમાજ લાલઘૂમ : દરેક વોર્ડમાં અપક્ષ ઉમેદવાર ઉભા રાખવાની ચીમકી

- text


વિશાળ વસ્તી હોવા છતાં એક પણ બ્રાહ્મણ પુરુષને ટીકીટ ન આપતા દરેક વોર્ડમાં અપક્ષ ઉમેદવાર ઉભા રાખી ભાજપને બ્રહ્મસમાજની તાકાતનો પરિચય કરાવાશે

આવતીકાલે ગાયત્રી મંદિરે ખાતે સમસ્ત બ્રહ્મસમાજની અગત્યની બેઠક : ત્રણ મહિલાને આપેલી ટીકીટ રિટર્ન કરવા તૈયારી

મોરબી : મોરબી શહેરમાં બ્રહ્મસમાજની વિશાળ વસ્તી હોવા છતાં આગામી નગરપાલિકાની ચૂંટણીમાં એક પણ પુરુષ ઉમેદવારને ભાજપે ટીકીટ ન ફાળવતા ભૂદેવો આગબબૂલા થઇ ઉઠ્યા છે અને આવતીકાલે ગાયત્રી મંદિર મોરબી ખાતે અગત્યની મિટિંગ યોજવાની સાથે આ ચૂંટણીમાં ભાજપને નડવા દરેક વૉર્ડમાં બ્રહ્મસમાજના યુવાનોને અપક્ષ લડાવવા પણ રણ નીતિ ઘડી કાઢવામાં આવી છે.

મોરબી બ્રહ્મસમાજના અગ્રણી પ્રશાંતભાઈ મહેતાએ ભાજપની ટીકીટ ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મોરબીમાં બ્રહ્મસમાજની આટલી મોટી વસ્તી હોવા છતાં એક પણ પુરુષ ઉમેદવારને ટીકીટ ફાળવવામાં આવી નથી, શુ બ્રહ્મસમાજના પુરુષો બુદ્ધિશાળી નથી ? શુ ભૂદેવો સમાજમાં વર્ચસ્વ નથી ધરાવતા તેવા સવાલ ઉઠાવી ભાજપે ઉમેદવારોની પસંદગીમાં બ્રહ્મસમાજને હળહળતો અન્યાય કર્યો હોવાનું જણાવી આ ચૂંટણીમાં ભાજપને જરૂરથી જડબાતોડ જવાબ આપશે તેવું રોષ પૂર્વક જણાવ્યું હતું.

- text

વધુમા પ્રશાંતભાઈએ ઉમેર્યું હતું કે ભાજપે મોરબી નગરપાલિકામાં ત્રણ મહિલા ઉમેદવારને ટીકીટ આપી છે તે ટીકીટ પણ ભાજપને રિટર્ન કરવા બ્રહ્મસમાજ પ્રયત્નશીલ છે.અને આવતીકાલે ગાયત્રી મંદિર મોરબી ખાતે પ્રેસકોન્ફરન્સ યોજવાની જાહેરાત કરી આ અન્યાયનો ભાજપને જડબાતોડ જવાબ આપવા દરેક વૉર્ડમાં વધુ ને વધુ બ્રહ્મસમાજના યુવા ઉમેદવારોને અપક્ષ લડાવવા જાહેરાત કરી ભાજપ સામે રોષ વ્યકત કર્યો છે.

અંતમાં ભૂપતભાઈએ જણાવ્યું હતું કે ગત ચૂંટણીઓમાં ભાજપ બ્રહ્મસમાજને પાંચ-પાંચ ટીકીટ ફાળવે છે પરંતુ આ વખતે ભાજપના અગ્રણીઓનું મોરબીમાં સૌ પ્રથમ વખત પરશુરામધામ ખાતે સન્માન કરવાનો આ બદલો મળ્યો હોવાનું અફસોસ સાથે અંતમાં જણાવ્યું હતું.

- text