ટંકારા પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીના મોત મામલે ડીવાયએસપીએ તપાસ શરૂ કરી

- text


પ્રથમ ટંકારા પોલીસે આરોપીનું હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું પરંતુ ફોરેન્સિક પી.એમ.માં માર મારવાને કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવતા ડી.વાય.એસ.પી.એ તપાસ આદરી : મૃતકની પત્નિએ લાશ જોઈને જ મારથી મોત થયું હોવાની દર્શાવી હતી શંકા

ટંકારા : ગત 8 જાન્યુઆરીએ ગણેશપર ગામે મંદિરમાં ચોરી કરવા મામલે અટકાયત કરેલા આરોપીની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં માર મારવાના કારણે તેનું મોત થયાનું સામે આવ્યું હતું. આથી મૃતકની પત્નીએ પતિના મોત માટે જવાબદાર લોકો સામે ગુન્હો નોંધાવ્યો હતો.

બનાવની સમગ્ર હકીકત જોઈએ તો, ગત 8 જાન્યુઆરીની રાત્રે ગણેશપર ગામના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. આ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અમનકુવાનો રહેવાસી અને હાલ પોપટ હીરાણીની વાડીમાં રહેતા રામલા કાળુભાઇ કટારા નામના 45 વર્ષીય આરોપીની અટકાયત કરી હતી. અટક કર્યાના બીજા દિવસે એટલેકે તારીખ 9 જાન્યુઆરીના દિવસે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ટૂંકી સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા કસ્ટોડિયલ ડેથનો મામલો બની ગયો હતો.

જે તે સમયે મૃતકને હાર્ટએટેક આવવાથી મોત થયાનું પોલીસે જાહેર કર્યું હતું. જો કે પોસ્ટમોર્ટમ દરમ્યાન મૃતકના શરીર પર મારના નિશાન જોવા મળતા મૃતકની પત્નિ ધનુબેને જે તે સમયે શંકા વ્યક્ત કરી હતી કે તેના પતિનું મોત માર મારવાના કારણે જ થયું છે. અલબત્ત એ સમયે એટલે કે 9 જાન્યુઆરીએ તેણીએ પોલીસ ફરિયાદ લખાવી ન હતી. આજે મોતના 12 દિવસ બાદ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે પતિની હત્યા કરવાનો ગુન્હો નોંધાવ્યો છે.

ઉક્ત બનાવમાં જાણવા મળતી વિગતો અનુસાર ચોરીના બનાવમાં પોલીસે અટકાયત કર્યા પહેલા જ તેને કોઈ શખ્સોએ માર માર્યો હતો એવું પોલીસનું કહેવું છે. ડીવાયએસપી રાધિકા ભારાઈના કહેવાનુસાર મૃતક દારૂ પીવાની તથા ચોરી કરવાની ટેવ ધરાવતો હોય કોઈ સાથે ઝઘડો થતા તેને માર મારવામાં આવ્યો હોય શકે છે. મૃતકના શરીર પર ફોરેન્સિક પી.એમ.માં 6-7 દિવસ પહેલા માર મારવામાં આવ્યો હોવાના નિશાન છે એ સ્પષ્ટ થયું હતું. આથી પોલીસે હાલ તો અજાણ્યા શખ્સો અને તપાસમાં ખુલે એ તમામ સામે હત્યા મામલે ગુન્હો નોંધી વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

- text

પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીનું મોત થતા રાધિકા ભારાઈ સાથેની મોરબી અપડેટની વાતચીતમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવ બન્યો ત્યારે અને આરોપીની અટકાયત સમયે તેઓ રજા પર હતા. એસ.સી.એસ.ટી.ના પઠાણ પાસે આ કેસ આવ્યો હતો. હવે જ્યારે આરોપીનું પોલીસ કસ્ટડીમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે ત્યારે કેસ હેન્ડલ કરનાર અધિકારી અને પોલીસકર્મીઓ પાસેથી વધુ વિગતો મેળવી તપાસ આગળ ધપાવવામાં આવશે.

જો કે, કસ્ટોડિયલ ડેથનો મામલો હોય તપાસમાં સામેલ તમામ પોલીસકર્મીઓના પગ નીચે રેલો આવ્યો છે ત્યારે પોલીસની ખુદની ભૂમિકા મહત્વની બની જાય છે. આરોપીની પત્નીએ હાલ તો ‘અજાણ્યા’ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે એ પણ નોંધનીય બાબત છે. છતાં શંકાની પ્રથમ સોય પોલીસ સામે પણ તકાયેલી હોય એવું જણાઈ રહ્યું છે. આ બનાવને લઈને પોલીસબેડા સહિત ટંકારા વિસ્તારમાં ચર્ચા જાગી છે. ત્યારે હવે જોવું રહ્યું કે નિષ્પક્ષ તપાસ કરીને આરોપીના પત્નિને ન્યાય મળે છે કે કેમ?

- text