નવલખી રોડ પાસે સર્વિસ રોડની ભંગાર દશાને કારણે રીક્ષા પલટી મારી ગઈ

- text


મોરબી : ચોમાસા પહેલા બિસ્માર બનેલા મોરબીના માર્ગો હવે ચોમાસા દરમ્યાન લોકોને શારીરિક આર્થિક નુકશાનનું કારણ બનતા જાય છે. ખખડધજ રસ્તાઓમાં વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ લોકોને પડી રહેલી શારીરિક-માનસિક વ્યથા તો અકલ્પનિય છે. નવલખી ફાટક પાસે આવા જ ભંગાર રોડને કારણે એક ઓટો રીક્ષા પલટી મારી ગઈ હતી. જો કે સદભાગ્યે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું.

મોરબીના નવલખી ફાટક પાસે સિલ્વર સોસાયટીના ગેટ નજીક ઓવરબ્રિજ માટે ખોદેલા ખાડા નજીક એક ઓટો રીક્ષા પલટી મારી ગઈ હતી. સદભાગ્યે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. ઓવરબ્રિજની કામગીરીને લઈને બાજુમાંથી કાઢવામાં આવેલો સર્વિસ રોડ બિસ્માર હાલતમાં હોય આ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાય છે. નાના મોટા વાહનો ખૂંપી જવાના કે પલટી મારી જવાના સેંકડો બનાવ બનતા જ રહેતા હોય વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે.

- text

આ રસ્તો ખૂબ ટ્રાફિક ધરાવતો હોય બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકો માટે અહીંથી સુખરૂપ અને ઝડપથી નીકળવું માથાના દુઃખાવારૂપ છે. આ માર્ગ પરનો અવરોધાયેલો ટ્રાફિક છેક શનાળા બાયપાસ સુધી પહોંચે છે. મોરબી-કંડલા હાઇવે પર બે ઓવરબ્રિજ બની રહ્યા હોય સર્વિસ રોડ બનાવવામાં આવ્યા છે ; જો કે, કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારીને કારણે આ સર્વિસરોડ મેન્ટેન ન થતા ગાડા માર્ગમાં ફેરવાઈ ગયા હોય વાહન ચાલકો તંત્ર અને કોન્ટ્રાક્ટરોની બેફિકરાઈ પર રીતસર ફિટકાર વરસાવી રહ્યા છે.

- text