જાણો.. મોરબી જિલ્લાના તમામ 10 ડેમોની વર્તમાન સ્થિતિ

- text


પાછલા 24 કલાક દરમ્યાન મચ્છુ 2 ડેમની સપાટીમાં સૌથી વધુ 1.15 ફૂટનો થયો વધારો, મચ્છુ 1 ડેમ છલકાવવામાં હજુ 7.80 ફૂટનું છેટું

મોરબી : શ્રાવણી સરવડા વરસી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના 10 ડેમોની વર્તમાન સ્થિતિમાં ભારે તફાવત જોવા મળી રહ્યો છે. અલગ અલગ ડેમોની પાણીની સંગ્રહ ક્ષમતા અનુસાર પાણીના જથ્થાની સ્થિતિ જોતા સ્પષ્ટ થાય છે કે મચ્છુ 1, મચ્છુ 2, ડેમી 1 અને બ્રાહ્મણી 1 તથા 2 ડેમમાં હજુ સંતોષકારક જળ સપાટી પહોંચી નથી.

ડેમ વાઇઝ જોઈએ તો, મચ્છુ 1 ડેમની કુલ ઊંડાઈ 49.02 ફૂટની સામે હાલ પાણીનો જીવંત જથ્થો (વાપરી શકાય એટલો જથ્થો) 42.00 ફૂટ છે. ડેમ છલકાવવામાં હજુ 7.80 ફૂટનું છેટું છે. જ્યારે મચ્છુ 2 ડેમની કુલ ઊંડાઈ 58.1 ફૂટની સામે જીવંત ઊંડાઈ 33 ફૂટ સુધીની ગણવામાં આવે છે ત્યારે હાલમાં પાણીનો જથ્થો 26.80 ફૂટે છે એ જોતાં ડેમ છલકાવવામાં હજુ 6.20 ફૂટ ભરાવવો જરૂરી છે. પાછલા 24 કલાકમાં મચ્છુ 1માં 0.49 ફૂટનો જ્યારે મચ્છુ 2માં 1.15 ફૂટનો વધારો થયો છે.

અન્ય ડેમોની સ્થિતિ જોઈએ તો, ડેમી 1માં પાછલા 24 કલાક દરમ્યાન 0.30 ફૂટનો નજીવો વધારો થયો છે. ડેમ છલકાવવામાં હજી 3.20 ફૂટનું છેટું છે. જ્યારે ડેમી 2 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 0.49 ફૂટ નિરનો વધારો થયો છે. ઘોડાધ્રોઈ, બંગાવાડી, બ્રાહ્મણી 2, મચ્છુ 3માં પાછલા 24 કલાક દરમ્યાન નવા નીરની આવક થઈ નથી.

- text

સૌથી વધુ મચ્છુ 2 ડેમમાં 1857 મી.ક્યુસેક ફૂટ પાણીનો સંગ્રહ થયો છે. ત્યારબાદ ક્રમશઃ જોતા મચ્છુ 1માં 1330, બ્રાહ્મણી 1માં 878, ડેમી 2માં 642, ડેમી 1માં 577, બ્રાહ્મણી 2માં 355, ઘોડાધ્રોઈમાં 181, મચ્છુ 3માં 178, ડેમી 3માં 149 અને બંગાવાડી ડેમમાં 127 મી.ક્યુસેક ફૂટ પાણીનો જીવંત જથ્થો સંગ્રહિત થયો છે.

તમામ ડેમના ભરાયેલા પાણીના જથ્થાની સ્પષ્ટ ટકાવારી જોઈએ તો સૌથી વધુ એટલે કે 100 ટકા સાથે ભરાયેલો ડેમ બંગાવાડી છે. જ્યારે ક્રમશઃ ઘોડાધ્રોઈ ડેમ 93.79 ટકા ભરાઈ ચુક્યો છે. ડેમી 2 ડેમ 91.94 ટકા ભરાયો છે. મચ્છુ 3 ડેમ 82.30 ટકા, ડેમી 1 ડેમ 74.92 ટકા, મચ્છુ 2 ડેમ 64.15 ટકા, બ્રાહ્મણી 2 ડેમ 57.32 ટકા, ડેમી 3 ડેમ 55.63 ટકા, મચ્છુ 1 ડેમ 54.62 ટકા ભરાયો છે. આમ બંગાવાડી ડેમ 100 ટકા સાથે સૌથી વધુ ભરાયેલો ડેમ છે જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ જોતા બ્રાહ્મણી ડેમ 46.12 ટકા સાથે સૌથી ઓછો ભરાયેલો ડેમ છે.

અત્યાર સુધીમાં 690 મીલી મીટર વરસાદ સાથે ડેમી 1 ડેમના સ્ત્રાવ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે બ્રાહ્મણી ડેમના સ્ત્રાવ વિસ્તારમાં સૌથી ઓછો 315 મિલી મીટર વરસાદ નોંધાયો છે. અન્ય ડેમોના સ્ત્રાવ વિસ્તારમાં નોંધાયેલા વરસાદના આંકડા જોઈએ તો, મચ્છુ 1ના સ્ત્રાવ વિસ્તારમાં 395 મી.મી. વરસાદ, મચ્છુ 2ના સ્ત્રાવ વિસ્તારમાં 465 મી.મી.વરસાદ, ડેમી 2ના સ્ત્રાવ વિસ્તારમાં 323 મી.મી.વરસાદ, ઘોડાધ્રોઈના સ્ત્રાવ વિસ્તારમાં 370 મી.મી.વરસાદ, બંગાવાડી ડેમના સ્ત્રાવ વિસ્તારમાં 405 મી.મી.વરસાદ, બ્રાહ્મણી 2 ડેમના સ્ત્રાવ વિસ્તારમાં 382 મી.મી.વરસાદ, મચ્છુ 3 ડેમના સ્ત્રાવ વિસ્તારમાં 469 મી.મી.વરસાદ અને ડેમી 3 ડેમના સ્ત્રાવ વિસ્તારમાં 645 મિલી મીટર વરસાદ નોંધાયો છે.

- text