નવા બસ સ્ટેશનની પાછળ ખુલ્લા પ્લોટમાં સળગાવાતા કચરાના કારણે સ્થાનિકો પરેશાન

- text


મોરબી : લોકડાઉન દરમ્યાન શુદ્ધ થઈ ગયેલું વાતાવરણ ફરી પાછું અશુદ્ધ થવા જઈ રહ્યું છે. લોકોની દૈનિક પ્રવૃતિઓ શરૂ થતા જ દૈનિક કૂટવો પણ ફરી પાછી શરૂ થઈ હોય એમ મોરબીના નવા બસસ્ટેશન પાછળના ખુલ્લા પ્લોટમાં અમુક સ્થાપિતહિત ધરાવતા લોકો દ્વારા પ્લાસ્ટિક સહિતનો કચરો બાળીને પ્રદુષણ ફેલાવવાનું શરૂ થતા આસપાસના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબીના નવા બસસ્ટેન્ડ પાછળ આવેલ રોડ સ્થિત પટેલ કન્યા છાત્રાલયના ખુલ્લા પ્લોટમાં ત્યાંના કર્મચારી કે ચોકીદાર દ્વારા રોજિંદો કચરો બાળવામાં આવે છે. આ કચરામાં હાનિકારક પ્લાસ્ટિક પણ હોય આસપાસના રહેવાસીઓને અસહ્ય દુર્ગંધ તેમજ શ્વાસ ગૂંગળાવી મૂકે એવા ધુમાડાનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક સોસાયટીઓ જેવી કે રાધાપાર્ક, શ્રીજીનગર, વિઠ્ઠલનગર, આશાપાર્ક સહિતની સોસાયટીના રહેવાસીઓ દ્વારા કચરો બાળવાની પ્રવૃત્તિ કરતા કર્મચારીઓને સમજાવવા છતાં “અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ” જેવો જવાબ આપી ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરવામાં આવતું હોવાની રાવ ઉઠી છે.

- text

ઉલ્લેખનીય છે કે પર્યાવરણની બગડતી જતી સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઘણા કડક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. પર્યાવરણની શુદ્ધિને લઈને સામાન્ય લોકોમાં પણ સમજણ વિકસી છે ત્યારે ઉક્ત સંસ્થાના સત્તાધીશો દ્વારા પર્યાવરણને અશુદ્ધ કરતી પ્રવૃત્તિ ક્યારે બંધ કરવામાં આવશે કે પાલિકા તંત્ર એ પ્રવૃત્તિ ક્યારે બંધ કરાવશે એ બાબતને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

- text