ધરમપુર ગ્રામપંચાયતના 7 સભ્યો સહીત સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કાયમ રાખતા મોરબી ડીડીઓ

- text


ગૌચરની જમીનપરનું દબાણ દૂર કરવાની અસમર્થતા દર્શાવતો ઠરાવ પાસ કરવાના કારણે 2017માં થઈ હતી કાર્યવાહી
મહિલા સરપંચ હોવાના અને કાયદાની અજ્ઞાનતાના કારણે ઠરાવ પાસ કર્યો હોવાના ખુલાસા જિલ્લા વિકાસ અધિકારીએ માન્ય ન રાખ્યા

મોરબી : ધરમપુર ગામના રહેવાસીએ ગામના ગોચરમાં થયેલ દબાણ અન્વયે ગામના મહિલા સરપંચ અને ગ્રામપંચાયતના 7 સભ્યો સામે 2017માં અરજી કરી હતી. આ અરજી બાબતે મહિલા સરપંચ સહીત 7 સભ્યોને ખુલાસો કરવાની માંગ્યા મુજબની તક આપ્યા બાદ કરવામાં આવેલો ખુલાસો ગ્રાહ્ય ન રહેતા તમામને હોદ્દા પરથી દૂર કરવાનો અગાઉનો હુકમ કાયમ રાખ્યો છે.

સમગ્ર કેસની વિગતો જોઈએ તો, ધરમપુર ગામના રહેવાસી ભરતભાઈ માવજીભાઈ માકાસણાએ ધરમપુર ગ્રામપંચાયતના 7 સભ્યો સહીત મહિલા સરપંચ વિરુદ્ધ રજુઆત કરી હતી કેગામના ગૌચર ઉપરના દબાણ બાબતે સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગૌચર ઉપર કે ગામની અન્ય કોઈ સરકારી જમીન પર થયેલા દબાણને દૂર કરવાની કે દબાણ ન થાય એ જોવાની જવાબદારી સરપંચ અને સભ્યોની હોય છે. ગુજરાત પંચાયત ધારા 1993ની કલમ 105 મુજબ આ જવાબદારી ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની હોય એમાં કસૂર થયે તેઓની સામે કાર્યવાહી કરવાનો પ્રાવધાન છે. ઉક્ત બાબતે ગ્રામપંચાયતની સામાન્ય સભા 14-3-2017 અને 26-4-2017 ના રોજ મળી હતી. આ બન્ને સામાન્ય સભામાં એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે ગૌચરની જમીન પર થયેલ દબાણ હટાવવા તેઓ અસમર્થ છે.

- text

આ ઠરાવને ધ્યાને લઇ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) અન્વયે કાર્યવાહી કરી ગામના મહિલા સરપંચ મનીષાબેન ભાવેશભાઈ માકાસણા, ઉપસરપંચ પ્રાણજીવનભાઈ લાલજીભાઈ અને સભ્યો ચંપાબેન રામજીભાઈ, રસિલાબેન સંજયભાઈ, આશાબેન હર્ષદભાઈ, મહેન્દ્રભાઈ વાલેરા, મનજીભાઈ ભીમજીભાઈ અને ભરતભાઇ નાથાલાલને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા. આ હુકમ વિરુદ્ધ મહિલા સરપંચ તથા 7 સભ્યોએ વિકાસ અધિકારી કમિશ્નર ગાંધીનગરને અપીલ કરી હતી. આ અપીલને આધારે વિવાદિત બાબત માટે ઉક્ત સભ્યો અને મહિલા સરપંચને બચાવની તક આપવામાં આવી હતી. આ ઉપરાંત બચાવ પક્ષ દ્વારા મુદતો પણ માંગવામાં આવી હતી, જે પણ અપાઈ હતી. આખરે બચાવ પક્ષે કાયદાની અજ્ઞાનતા અને સરપંચ મહિલા હોવાથી જાણકારીનો અભાવ જેવા ખુલાસા કર્યા હતા.

જો કે ઉપરોક્ત ખુલાસા અને બચાવ પક્ષની દલીલ ગ્રાહ્ય ન રખાતા અને મહિલા સરપંચ અને પંચાયતના 7 સભ્યો તેની ફરજ બજાવવાનું ચુકી ગયા હોવાનું તારણ કાઢી આખરે મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ તમામ 7 સભ્યો અને મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો અંતિમ હુકમ કાયમ રાખ્યો છે.

- text