માળીયા અને મોરબી બ્રાન્ચની કેનાલમાં સિંચાઇ માટે પાણી ચાલુ કરવા માંગ

- text


મોરબી : ઇન્ટરનેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા, માળીયા (મી.) તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ ભાવેશ ભીમજીભાઈ સાવરીયા તથા મોરબી જિલ્લા સરપંચ એસોસીએશનના પ્રમુખ કુલદીપસિંહ કે. જાડેજા દ્વારા નર્મદા કેનાલની શાખા માળીયા, ધાંગધ્રા અને મોરબી બ્રાન્ચ તેમજ અન્ય ડેમોની કેનાલમાથી સિંચાઇ માટે પાણી ચાલુ કરવાની માંગ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવેલ છે.

આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે મોરબી જિલ્લામાં નર્મદા કેનાલની ત્રણ બ્રાન્ચ કેનાલો આવેલી છે. માળીયા, ધ્રાંગધ્રા અને મોરબી. હાલમાં ત્રણે બ્રાન્ચ કેનાલો મરામત કામ કરવાના હોય તે કારણસર બંધ કરવામાં આવેલ હોવાનું સ્થાનિક અધિકારીઓ કહી રહ્યા છે. પરંતુ તપાસ કરતાં માલૂમ પડેલ છે કે હાલમાં કોઈ પણ જ્ગ્યા એ મરામતનું કામ ચાલુ નથી. સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ખેતી એક જ એવો વ્યવસાય છે કે જે સંપુર્ણપણે ચાલુ છે. અને તે ચાલુ રાખવો જરૂરી છે. કારણ કે આ ખેતી જ લોકોને અન્ન પૂરું પાડવાનું એક માત્ર સાધન છે. તેવી જ રીતે પશુઓ માટેનો ચારો પણ ખેતરમાં જ થાય છે. એટલે ખેતી જેટલી વધારે ચાલુ રહે તે જ દેશના હિતમાં છે. હાલમાં આ ત્રણે બ્રાન્ચ બંધ હોવાથી ખેડૂતોએ વાવેલ વાવેતર પાણીના અભાવે સૂકાઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને શાકભાજી તથા પશુઓ માટેનો લીલો ઘાસચારો સુકાઈ રહ્યો છે. આ ઉપરાંત, આ શાકભાજી અને ઘાસચારાનું વાવતેર આગળ પાછળ થતું રહેતું હોય છે. જેથી રેગ્યુલર પુરવઠો મળતો રહે. જેનું નવું વાવેતર પણ આ કેનાલ બંધ હોવાથી થઈ શકતું નથી. તેમજ 15 મેથી કપાસ, મગફળી વગેરેનું આગોતરું વાવેતર કરવાનો પણ સમય થાય છે. તેમાં પણ પાણીની જરૂર પડશે.

- text

હાલમાં નર્મદા ડેમમાં જરૂરિયાત કરતાં પણ ખુબ જ વધારે પાણીનો જથ્થો સ્ટોરેજ થયેલો છે. નર્મદા નદીમાં પાણીની આવક પણ ચાલુ જ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી ચોમાસુ ખુબજ સારું રહેવાનો વરતારો આપેલ છે. હાલના જથ્થામાં આટલા દિવસો કેનાલ ચાલવાથી ખાસ ઘટાડો નહીં થાય. તો આગામી ચોમાસામાં હાલમાં જે જથ્થો છે તે જોતાં જો વધારે પાણી આવશે તો તે નકામું વહી જશે અને જો ખેડૂતોને આપવામાં આવશે તો તેમાંથી ખુબ જ સારું ઉત્પાદન થશે. આ રીતે સરકારને પણ આવક થાશે અને ખેડૂતોને પણ આવક થાશે. તેમજ હાલમાં જ્યારે લોક ડાઉન ચાલુ છે. ત્યારે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ લીલો ઘાસચારો કે શાકભાજી, ફળ વગેરેનો પુરવઠો લાવવા લઈ જતાં લોકોમાં કોરોનાનો ચેપ લાગવાનો થોડો ડર પણ રહેલો છે. તો જો આ પ્રકારના વાવેતર મોરબી જિલ્લામાં જ થાય તો અન્ય જિલ્લામાંથી શાકભાજી કે લીલો ઘાસચારો લાવવાની જરૂરત ઓછી પડે અને હાલ માં મોરબી જિલ્લો કોરોના મુક્ત છે તેને કોરોના મુક્ત રહેવામાં આના કારણે થોડો વધારે સહયોગ મળશે.

આ ઉપરાંત રજુઆતમાં જણાવેલ છે કે, જે અન્ય રાજ્યોમાંથી ખેતી કામ કરવા આવેલ મજૂરો છે તે કામ ના હોવાથી ફ્રી છે. જેથી, ઘરે જવા માટે આતુર છે. જો કામ ચાલુ થશે તો ઘરે જવાનું માંડી વાળશે અને આ મજૂરો મોટાભાગે ખેતરોમાં જ રહે છે. તેઓને પીવાના પાણીનો સ્ત્રોત આ નર્મદાની કેનાલ હતી જે બંધ થતાં તેઓને પીવાના પાણીનો મોટો પ્રોબ્લેમ હાલમાં ઊભો થયેલ છે. જ્યારે કોરોનામાં વારંવાર હાથ ધોવાનું અને નહાવાનું કહેવામાં આવે છે ત્યારે જો પીવાનું પાણી ન હોય તો હાથ ધોવાની અને નહાવાની તો વાત જ ક્યાંથી થાય તો આ માટે પણ કેનાલ જલ્દી ચાલુ કરવી જરૂરી છે. તેમજ મોરબી જિલ્લામાં જે ડેમો આવેલા છે. અને જેમાં હાલમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેની કેનાલો દ્વારા પણ સિંચાઇનું પાણી આપવાની માગણી છે. તેમજ જો નર્મદા કેનાલની ત્રણે બ્રાન્ચ તેમજ અન્ય ડેમોની કેનાલો ચાલુ કરવામાં આવે તો ઉપરના દરેક પ્રશ્નો નું નિરાકરણ આવી જશે. અને આનો લાભ મોરબી જિલ્લાના 156 ગામ તેમજ ધ્રાંગધરા તાલુકાના 46 ગામો ને મળશે. તો તાત્કાલિક ના ધોરણે આ કેનાલો ચાલુ કરવા માગણી છે.

- text