ખરી ઉદારતા : મોરબીમાં શ્રમિકે દિકરી માટે રાખેલા રૂ. 5 હજાર કોરોનાની જંગ માટે આપ્યા

- text


“ફૂલ નહિ તો ફૂલની પાંખડી” ની જેમ આ શ્રમિકે પોતાનાથી બનતી આર્થિક મદદ કરી : શ્રમિકની ઉમદા ભાવનાથી પ્રેરાઈને બી ડિવિઝનના સ્ટાફે 5 હજાર અને પી.આઇ.એ રૂ. 11 હજારની સહાય આપી

મોરબી : મોરબીમાં અનેક ઉધોગપતિઓ કોરોનાની જંગ માટે આર્થીક યોગદાન ઉદાર હાથે નોંધાવી રહ્યા છે. જો કે ઘણા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો પણ પોતાની યથાશક્તિ મદદ માટે આગળ આવી રહ્યા છે. આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીમાં સામાન્ય આવક ધરાવતા એક શ્રમિકે દીકરી માટે ગલ્લામાં સંગ્રહ કરેલા રૂ. 5 હજાર કોરોનાની જંગ માટે ઉપયોગમાં લેવા બી ડિવિઝન પી.આઇ.ને આપ્યા હતા. આ શ્રીમકની ઉદારતા જોઈને બી ડિવિઝન ડી સ્ટાફે તેમાં 5 હજારનો ઉમેરો કરી આ રકમ યંગ ઇન્ડિયા ગૃપને સેવા કાર્યો માટે અર્પણ કરી હતી. જ્યારે પીઆઇએ 11 હજાર રૂપિયા સીએમ રિલીફ ફંડમાં જમા કરાવ્યા હતા.

મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ લેવીસ ગ્રેનાઈટો સીરામીક કારખાનામાં રહીને સ્પ્રેડાઇરમાં મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની અમરસિંગ બાબુલાલ સૂર્યવંશીને એક દોઢ વર્ષની દીકરી છે. દીકરી માટે બચત કરવા તેઓ રોજેરોજ ગલ્લામાં રૂપિયા જમા કરતાં હતાં. દરમિયાન કોરોનાની હાલની ગંભીર સ્થિતિ વિશે તેને વિચાર આવ્યો કે કોરોનાના જંગ માટે આટલી બધી દાનની સરવાણી વહી રહી છે તો હું કેમ મદદરૂપ ન થાવ? ભલેને મારી ઓછી આવક હોય પણ મારાથી થશે એટલી હું આર્થિક મદદ કરીશ તેવું વિચારીને તેણે દીકરીની બચત માટે ભેગા કરેલા ગલ્લો તોડીને તેમાંથી નીકળેલા રૂ. 5 હજાર લઈને તે બી ડિવિઝન પીઆઈને આપવા ગયો હતો અને પીઆઇ ગઢવીને કહ્યું કે તમારા હસ્તે આ રકમ સહાયમાં આપવી છે.

- text

આથી, પીઆઇ મજૂરની ઉદારતા જોઈને ગદગદિત થઈ ગયા હતા. જોકે એક સામાન્ય મજૂર પણ આવી રીતે મદદ કરી શકતો હોય તો પોતે કેમ નહિ તેમ માનીને બી ડિવિઝનના ડી સ્ટાફે મજૂરની રકમમાં રૂ. પ હજાર ઉમેરીને 10 હજારની રકમ યંગ ઇન્ડિયા ગ્રુપને સેવા કાર્યો માટે અને બી ડિવિઝન પીઆઇ ગઢવીએ રૂ. 11 હજાર સીએમ રિલીફ ફંડમાં જમા કરાવ્યા હતા. આ નાનામાં નાના વ્યક્તિની મદદ કરવાની ભાવના ખરેખર સરાહનીય છે સાથોસાથ તમામ સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આ પ્રેરણાદાયી બાબત છે.

- text