હળવદ કોર્ટમાં કાનૂની સેવા સમિતિ દ્વારા કોરોના વાઈરસ અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમ યોજાયો

- text


કોરોનાથી ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે : સિનિયર સિવિલ જજ પી. ડી. જેઠવા

હળવદ : કોરોના વાયરસ એક એવી બીમારી છે જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર (ચેપ) થઇને ફેલાઈ છે. જો કે આ વાઇરસને કારણે લોકો એટલા ભયભીત થયા છે કે જ્યાં જુઓ ત્યાં બસ કોરોનાની જ વાતો સાંભળવા મળી રહી છે. જો કે કોરોનાથી ડરવાની નહીં પરંતુ સાવચેતી રાખવાની જરૂર વધુ છે.

ત્યારે આજે હળવદ શહેરમાં આવેલ કોર્ટ પરિસરમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસથી બચવા એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ એ.ડી ઓઝાના માર્ગદર્શન હેઠળ હળવદ કાનૂની સેવા સમિતિના ઉપક્રમે યોજવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં પ્રિન્સિપાલ સિનિયર જજ પી.ડી જેઠવા, એ.ડી. સિવિલ જજ બી. એમ. રાજ, મુખ્ય જિલ્લા સરકારી વકીલ વી.સી જાની, મદદનીશ સરકારી વકીલ એ.પી. માલવણિયા, હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. કૌશલભાઇ પટેલ, પાલિકા ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા, હળવદ બાર એસોસિયેશનના સિનિયર તથા જુનિયર એડવોકેટ રજીસ્ટ્રાર પી.સી મણિયાર તથા કોર્ટ સ્ટાફ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓએ આ શિબિરમાં હાજર રહી કોરોનાથી બચવા જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.

- text

આ કાર્યક્રમમાં કોરોના વાઈરસથી સાવચેતી રાખવા માટે શું કરવું જોઈએ અને કેવા પ્રકારના પગલાં ભરવા જોઇએ, તે બાબતે ડોક્ટર કૌશલભાઇ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ચીફ ઓફિસર સાગરભાઈ રાડીયા દ્વારા હળવદ કોર્ટની મુલાકાત લઇ નગરપાલિકા સંબંધિત કર્મચારીઓને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તેમજ શહેરમાં જે જગ્યાઓ પર ગંદકી હોય તેને દૂર કરવામાં આવે અને ત્યાં પણ દવાનો છંટકાવ કરવામાં આવે તેમજ જાહેર જગ્યા ઉપર બેનરો લગાવી કોરોના વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવું જણાવ્યું હતું.

આ તકે પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ પી.ડી જેઠવા તથા એડી સિવિલ જજ બી.એમ રાજ એ પ્રજાજોગ સંદેશો આપતા જણાવ્યું હતું કે નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોરોના વાયરસ અંગે આપવામાં આવેલ માર્ગદર્શન અને સૂચનાઓનું તારીખ ૩૧/૩/૨૦૨૦ સુધી ચુસ્તપણે પાલન કરવામાં આવશે તથા કોઈ પણ પક્ષકાર કે વકીલને ગેરહાજરીના કારણે તેમના કેસને નુકસાન નહીં થાય અને શક્ય હોય ત્યાં સુધી જાહેર કાર્યક્રમોનું આયોજન નહીં કરવા તથા અનિવાર્ય સંજોગો સિવાય પ્રવાસ કરવો નહીં તેમ જણાવ્યું હતું. તેમજ લોકોની પણ ચિંતા વ્યક્ત કરી વધુમાં જણાવ્યું હતું કે લોકોએ કોરોના વાયરસથી ડરવું નહી પરંતુ જરૂરી સાવચેતી રાખવી.

આ કાર્યક્રમમાં મદદનીશ સરકારી વકીલ એ.પી.માલવણિયા, રજીસ્ટાર પી.સી. મણીયાર તથા હળવદ બાર એસોસિયન સિનિયર એડવોકેટ જે.આર. દવે દ્વારા કોરોના વાયરસથી સાવચેત રહેવા અંગે સમાજ જોગ સંદેશો આપ્યો હતો.

- text