મોરબીના ઉમિયા સર્કલ અને રવાપર કેનાલ ચોકડી ખાતે ફ્લાય ઓવર બનવાના ઉજળા સંજોગો

- text


રૂ. 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની પાલિકાની દરખાસ્ત બાદ પ્રાદેશિક કમિશનર કચેરીની ટિમ દ્વારા સાઇટ વિઝીટ કરી જરૂરી તપાસણી હાથ ધરીને રિપોર્ટ તૈયાર કરાયો

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ અને રવાપર કેનાલ ચોકડી ખાતે ફ્લાય ઓવર બનવાના ઉજળા સંજોગો દર્શાય રહ્યા છે. કારણ કે અગાઉ પાલિકાએ આ બન્ને સ્થળોએ રૂ. 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની દરખાસ્ત કરી હતી. જે સંદર્ભમાં આજે પ્રાદેશિક કમિશનર કચેરીની ટિમ દ્વારા બન્ને સ્થળોની સાઇટ વિઝીટ કરવામાં આવી હતી અને વિવિધ પાસાઓ તપાસીને રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

મોરબીમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. ત્યારે શહેરમાં વધતા ટ્રાફિકને ધ્યાને રાખીને હવે મુખ્ય સર્કલો ખાતે ફ્લાય ઓવરબ્રિજોના નિર્માણની જરૂર જણાય રહી છે. માટે નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર દ્વારા અગાઉ તા.10 ડિસેમ્બરના રોજ ફ્લાય ઓવર બનાવવા માટે રાજકોટ ઝોનના પ્રાદેશિક કમિશનને દરખાસ્ત કરી હતી. જેમાં જણાવાયું હતું કે રાજકોટ તરફથી આવતા વાહનો અને રવાપર કેનાલ રોડ પરથી તથા કંડલા બાયપાસ રોડ તરફથી આવતા વાહનો માટે ઉમિયા સર્કલ જંકશન પ્લોટ થાય છે. માટે ઉમિયા સર્કલ ખાતે ફ્લાય ઓવર બનાવવાથી ટ્રાફિકમા સરળતા રહેશે. આ ઉપરાંત રવાપર ગામ તથા રફાળેશ્વર અને સિરામિક ઉદ્યોગ બાજુથી આવતા વાહનો તેમજ રાજકોટ રોડ અને ઉમિયા સર્કલ બાજુ જતા વાહનોનો રવાપર કેનાલ ચોકડી ખાતે જંકશન પ્લોટ થાય છે. અહીં ટ્રાફિકના નિરાકરણ માટે સર્કલ બનાવવું જરૂરી છે.

- text

આમ આ દરખાસ્તમાં રૂ. 60 કરોડના ખર્ચે ઉમિયા સર્કલ તથા રૂ. 50 કરોડના ખર્ચે રવાપર કેનાલ ચોકડી ખાતે ફ્લાય ઓવર બનાવવાનું જણાવાયું હતું. આ દરખાસ્તને પગલે આજે પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલક ઈજનેર રવિભાઈ કનેરીયા તથા તેમની ટીમે બન્ને સ્થળોની વિઝીટ લીધી હતી. આ વેળાએ પાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા, ઈજનેર તથા કન્સલ્ટન્ટ મનીષભાઈ રૂપારેલીયા અને તેમના ઈજનેર પણ હાજર રહ્યા હતા. આ વિઝીટ દરમિયાન બન્ને સ્થળોએ ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે જરૂરી જગ્યા, ફ્લાય ઓવરની ડિરેક્શન, વાહનોના પાર્કિંગ તથા ટ્રાફિક સમસ્યાના નિવારણ માટેના ફિઝિબલિટી રિપોર્ટ કન્સલ્ટન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

- text