મોરબીના મયુર પુલ પર ભુકંપથી બે ગાડી અથડાઈ : અંતે મોકડ્રિલ હોવાનું જાહેર

- text


ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ત્રણ સ્થળે મોકડ્રિલ યોજાઈ : એનડીઆરએફની ટીમ,એસડીઆરએફની ટીમ, ફાયર વિભાગ, પોલીસ, મામલતદાર સહિતની ટીમ સમસસર દોડી જઈને રાહત અને બચાવની કામગીરી કરી

મોરબી : મોરબીના મયુર પુલ ઉપર આજે ભુકંપનો જોરદાર આચકો આવતા પુલ ઉપર પસાર થઈ રહેલી બે ગાડી અથડાઈ હતી. ચાર લોકોને ઇજા પહોંચી હતી. આથી, એસડીઆરએફની ટીમ, પોલીસ અને 108ની ટીમ તાકીદે સ્થળ ઉપર દોડી જઈને રાહત અને બચાવની કામગીરી કરી હતી. જો કે આ બાબત એક મોકડ્રિલ હોવાનું જાહેર થતા અંતે તંત્રએ રાહતનો દમ લીધો હતો. જો કે સંભવિત કુદરતી આપતીઓ પહોંચી વળવા તંત્ર કેટલું સાબદુ છે તેની ચકાસણી કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ત્રણ સ્થળે મોકડ્રિલ યોજાઈ હતી. મોરબી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સંભવિત કુદરતી આપતીઓને સંબધિત તંત્ર પહોંચી વળવા કેટલું સક્ષમ છે, તેની ચકાસણી કરવા માટે શહેરના ત્રણ સ્થળે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે મયુર પુલ ઉપર ભુકંપ આવતા ત્યાંથી પસાર થતી બે ગાડી ભટકાઈને નીચે પડી ગઈ હતી. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાં એસડીઆરએફની ટીમ, 108ની ટિમ, ડીવાયએસપી ચૌધરી સહિતની પોલીસની ટીમ, સીટી મામલતદાર રૂપાપરા સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને રાહત તથા બચાવની કામગીરી હાથ ધરી હતી. બાદમાં મોકડ્રિલ હોવાનું જાહેર કરાયું હતું.

- text

જયારે સામાકાંઠે કલેકટર કચેરીની બાજુમાં નવી બનતી જિલ્લા પંચાયતની બિલ્ડીંગમાં પ્રથમ માળે આગ લાગી હતી. આ આગમાં ત્યાં એક વ્યક્તિ ફસાયો હતો. આ બનાવની જાણ થતાં તુરંત ફાયર બ્રિગ્રેડની ટીમ, 108ની ટીમ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આગમાં ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢી આગને કાબુમાં લીધી હતી. આ રીતે આગની મોકડ્રિલ યોજાઈ હતી.

ઉપરાંત, યુએન મહેતા આર્ટસ કોલેજમાં એનડીઆરએફની ટીમ દ્વારા કુદરતી આપતિઓ વેળાએ કરાતી અસરકારક કામગીરીનું વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભૂકંપ સહિતની કુદરતી આપતિઓમાં રાહત અને બચાવની તાત્કાલિક ધોરણે કેવી રીતે કામગરી કરી શકાય તે અંગેની મોકડ્રિલ કરીને માહિતી આપવામાં આવી હતી. આ મોકડ્રિલનું આયોજન સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર જે.બી.પટેલ અને અધિક કલેકટર કેતન જોશીના નિર્દશન હેઠળ કરવામાં આવ્યું હતું.

- text