મહિલાઓનું કલ્યાણ એટલે તેમનામાં પડેલી શક્તિઓને બહાર લાવવાનો પ્રયાસ : કલેકટર

- text


મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત મોરબીમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી : છ દિવ્યાંગોને લગ્ન સહાય તેમજ ચાર બાળકોને પાલક માતા પિતા યોજનાની સહાય અર્પણ કરાઈ

મોરબી : રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી ચાલી રહી છે તેના અંતર્ગત શુક્રવારે મહિલા કલ્યાણ દિવસની હોંસભેર ઉજવણી કરવામાં આવી હતી. મોરબી ટાઉનહોલ ખાતે સમાજ સુરક્ષા કચેરી તેમજ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

મહિલા કલ્યાણ દિવસની ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમના અધ્યક્ષીય સંબોધન કરતાં મોરબી જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયાએ જણાવ્યું હતું કે, મહિલાઓના કલ્યાણ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ અમલી બનાવવામાં આવી છે જેનો સહયોગ લઇ મહિલાઓ સમાજમાં માનભેર જીવન જીવી શકે છે. મહિલાઓનું કલ્યાણ એટલે મહિલાઓમાં પડેલી શક્તિઓના બહાર લાવવાનો પ્રયાસ. આજે સમાજના અનેક ક્ષેત્રોમાં મહિલાઓએ ડંકો વગાડ્યો છે તેમાંથી પણ પ્રેરણા લેવી જોઇએ. સમાજ કલ્યાણમાં મહિલાઓનો ફાળો ખૂબ જ અગત્યનો છે તેને નકારી શકાય નહીં.

આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વાય.કે.પંડ્યાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વિવિધ યોજનાઓની માહિતી આપી આ યોજનાઓ છેવાડાના માનવીને પણ લાભ મળે તેવો સરકારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. કાયદાકીય બાબતોથી પણ મહિલાઓ અવગત થાય તે માટે સરકારી વકીલ રેહાનાબેન ગોરી દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તામંડળ અંતર્ગત આપવામાં આવતી સેવાઓથી ઉપસ્થિત મહિલાઓને અવગત કરાવવામાં આવ્યા હતા.

- text

રાજ્ય સરકારની ૧૮૧ જેવી યોજનાઓ અંગે મોરબી એ ડીવીઝનના મહિલા પીએસઆઇ વિશાખાબેન ગોંડલીયાએ મહિલાઓને જાણકારી આપી હતી. હિરલબેન વ્યાસ, વિપુલભાઇ શેરસીયા, રમતગમત વિભાગમાંથી પ્રવિણાબેન તેમજ શિક્ષણ વિભાગમાંથી ધર્મિષ્ઠાબેન કડિવાર દ્વારા મહિલાઓને પ્રાંસગિક ઉદ્દોબધન કરી વિવિધ માહિતી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે મહિલા કલ્યાણ દિવસના નોડલ ઓફિસર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપલીયાએ ઉપસ્થિત સૌ મહેમાન અધિકારીઓ તેમજ કાર્યક્રમમાં સહભાગી થનાર મહિલાઓને આવકાર્યા હતા. તેમજ આભાર દર્શન કર્યુ હતું, કાર્યક્રમનું સંચાલન રંજનબેન મકવાણાએ કર્યુ હતું આ કાર્યક્રમમાં સખીમંડળની બહેનો, વિકાસ વિદ્યાલયની બાળાઓ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર બહેનોને અધિકારીઓના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. ઉપરાંત દિવ્યાંગ લગ્ન સહાય ૫૦ હજાર રૂપિયાની સહાયના છ લાભાર્થીઓને ત્રણ લાખ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવી હતી તેમજ પાલક માતા પિતા યોજના અંતર્ગત ૪ લાભાર્થી બાળકોને માસિક રકમની સહાય પણ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા, મહિલા અને બાળ અધિકારી કચેરીના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- text