સિંચાઈ કૌભાંડના મુખ્ય આરોપી સાથે મજુર મંડળીઓના 7 હોદ્દેદારોએ ભાગ બટાઈ કર્યાનો ઘટસ્ફોટ

- text


તાજેતરમાં ઝડપાયેલા હળવદ પંથકની મજુર મંડળીઓના પ્રમુખો અને સંચાલકો મળીને સાત આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન કબુલાત આપી

હળવદ : મોરબીમાં ચકચારી નાની સિંચાઈ કોભાંડમાં અગાઉ હળવદના ધારાસભ્ય સહિતના મોટા માથાઓની ધરપકડ થયા બાદ હજુ સમયાંતરે ધરપડકનો દોર યથાવત રહ્યો છે.આ સિંચાઈ કૌભાંડના હળવદ પંથકની મજુર મંડળીઓની સંડોવણી ખુલતા પોલીસે આ માડળીઓના પ્રમુખો અને સંચાલકો મળીને 7 આરોપીને ઝડપીને રિમાન્ડ પર લીધા છે. રિમાન્ડ દરમ્યાન 7 આરોપીઓએ સિંચાઈ કૌભાંડના મુખ્ય આરોપી નિવૃત ઈજનેર સાથે ભાગ બટાઈ કરી હોવાની કબૂલાત આપી હતી.

મોરબીના સિંચાઈ કોભાંડમાં અગાઉ પોલીસે નિવૃત ઈજનેર, કોટ્રાક્ટર, ધારાસભ્ય અને વકીલ સહિતનાઓની ધરપકડ કરી હતી.જોકે હજુ આ સિંચાઈ કૌભાંડમાં મોટા માથાઓ પડદા પાછળ છુપાયેલા હોવાની શક્યતાને પગલે સિંચાઈ કોભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસ ઊંડી તપાસ કરી રહી છે.જેમાં ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન રાઈટર મહેન્દ્રસિંહ ઝાલા, ફતેસિંહ, વિજયભાઈ ચાવડા સહિતની ટીમ ચાલતી તપાસમાં હળવદ પંથકની મજુર મંડળીઓની સિંચાઈ કૌભાંડમાં સંડોવણી બહાર આવી હતી.

- text

આથી પોલીસે હળવદ તાલુકાના કોયબા, સાપકડા, સુંદરી ભવાની ગામની મજુર મંડળીઓના પ્રમુખ અને સંચાલકો લવજીભાઈ ઉર્ફે ભગત મુળજીભાઈ ચૌહાણ, જયંતીભાઈ લવજીભાઈ ચૌહાણ, મોહનભાઈ દાનાભાઈ પરમાર, જશુભાઈ સવજીભાઈ પરમાર અને ભરત ગોવિંદભાઈ ચૌહાણ રહે પાંચેય સાપકડા તા. હળવદ અને વશરામભાઈ પેથાભાઈ ચૌહાણ રહે કોયબા તથા ભીખાભાઈ વશરામભાઈ ચૌહાણ રહે સુંદરીભવાની એમ સાત આરોપીની ગતતા 7ના રોજ ધરપડક કરી હતી.બાદમાં કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 આરોપીના તા.11 સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે અને આવતીકાલે આ 7 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થશે.

આ બનાવ અંગે ડી.વાય.એસ.પી બન્નો જોશીએ જણાવ્યું હતું કે ,સિંચાઈ યીજનામાં થયેલા કૌભાંડમાં આ મજુર મંડળીઓના 7 હોદેદારોની સંડોવણી ખુલતા તેમની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ દરમ્યાન આ આરોપીઓએ એવી કબુલાત આપી છે કે,સિંચાઈ કૌભાંડનો મુખ્ય આરોપી નિવૃત સિંચાઈ ઈજનેર સી.ડી.કાનાણી સાથે ભાગબટાઈ કરી હતી.આ આરોપીના ભાગે કૌભાંડની કેટલી રકમ આવી અને કેટલી ઉચાપત કરી તે અંગેની તપાસ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાજપ અગ્રણીની જામીન અરજી કોર્ટે ફગાવી હતી ત્યારે પોલીસે વધુ સાત આરોપીની ધરપકડ કરતા હવે સિંચાઈ કોભાંડમાં સંડોવાયેલ અન્ય આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે.

- text