ધો. 10 નાપાસ મોરબીના યુવાનની ફૂડ ચેનલ બની ગુજરાતમાં નંબર વન : યુટ્યુબએ આપ્યું સિલ્વર બટન

- text


‘કમલેશ મોદી આઈ એમ ફુડી’ ચેનલે યુટ્યુબ ઉપર ગુજરાતીઓના દિલ જીતી લીધા : આગામી દિવસોમાં વિદેશ જઈને ત્યાંના ફૂડના પણ વીડિયો બનાવાશે : ધો. 10મા નાપાસ થયેલા કમલેશ મોદીની ક્રિએટિવીટીથી ચેનલને મળ્યા 1.20 લાખ સબ્સ્ક્રાઇબ

મોરબી : ‘મન હોય તો માળવે જવાઇ’ આ યુક્તિને મોરબીના ધો. 10 નાપાસ થયેલા યુવાને સાર્થક કરી બતાવી છે. આ યુવાને મોબાઈલથી વીડિયો શૂટ કરીને પોતાની યુટ્યુબ ચેનલ ‘કમલેશ મોદી આઈ એમ ફુડી’ને ગુજરાતની નંબર વન ફુડી ચેનલ બનાવી દીધી છે. આ યુવાનની ચેનલના સબ્સ્ક્રાઇબ 1 લાખથી વધતા યુટ્યુબ દ્વારા તેમને સિલ્વર બટન પણ આપવામાં આવ્યું છે.

મોરબીના કમલેશ મોદી નામના યુવાન ધો. 10મા નાપાસ થતા તેઓએ અન્ય યુવાનની જેમ જ ધંધે ચડી જવાનું વિચાર્યું હતું. આમ તેઓએ મંગલભુવન ચોકમાં મોબાઇલની એક દુકાન બનાવી હતી. હાલ પણ તેઓ આ દુકાન ચલાવી રહ્યા છે. પરંતુ તેઓ માત્ર ધંધા મારફતે જ નહીં પરંતુ પોતાની ક્રિએટિવિટી મારફતે પણ આગળ વધવા ઇચ્છતા હતા. જેથી તેઓએ વર્ષ ૨૦૧૨મા એક યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી. શરૂઆતમાં તેઓ આ ચેનલ ઉપર માત્ર ડાયરા સહિતની મનોરંજનના વીડિયો અપલોડ કરતા હતા.

ત્યારબાદ એક દિવસ તેમને વિચાર આવ્યો છે. ગુજરાતીઓ ખાણી પીણીના બહુ શોખીન હોય છે. એટલે ગુજરાતના કયા શહેરમાં કઈ ખાણીપીણીની આઈટમ ફેમસ છે તે જાણવામાં બધાને રસ પડશે. વધુમા આ સમયે હિન્દી અને ઈંગ્લીશ ફુડી ચેનલો ઘણી હતી. પરંતુ ગુજરાતી ફુડી ચેનલ એક પણ ન હતી. જેથી તેઓએ આ વિચારના અમલ કરવાના શ્રી ગણેશ કર્યા હતા.

જોત જોતામાં ‘કમલેશ મોદી આઈ એમ ફુડી’ યુટ્યુબ ચેનલના વીડિયો લોકોને બહુ પસંદ પડવા લાગ્યા અને વિડીયોના વ્યુ તેમજ ચેનલના સબ્સ્ક્રાઇબનો આંકડો વધતો જવા લાગ્યો હતો. ‘કમલેશ મોદી આઈ એમ ફુડી’ યુટ્યુબ ચેનલની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ચેનલના તમામ વીડિયો મોબાઈલથી શૂટ કરવામા આવ્યા છે. આધુનિક સાધનોની મદદ વગર પણ પરફેક્ટ સિનેમેટોગ્રાફી થઈ શકે છે. તે કમલેશ મોદીએ સાબિત કરી બતાવ્યું છે.

- text

આ ચેનલમાં કમલેશ મોદી ગુજરાતના વિવિધ શહેરોનો પ્રવાસ ખેડીને ત્યાંની જે ફેમસ ખાણીપીણીની આઈટમ હોય છે. તેની સંપૂર્ણ વિગત વીડિયોના માધ્યમથી લોકો સમક્ષ મૂકે છે. આ ઉપરાંત તેઓ અનેક દેવસ્થાનોના વીડિયો પણ મૂકે છે. તેઓનો હેતુ એવો છે કે ગુજરાતનું જે ક્લચર છે. તે યુટ્યુબના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ તેઓને મૂકવું છે.

કમલેશ મોદીએ સૌ પ્રથમ મોરબીની પ્રખ્યાત ખાણીપીણીની આઇટમોનું કવરેજ કરીને તેના વીડિયો યુટ્યુબની ચેનલમાં મુક્યા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં તેઓએ રાજકોટ, જામનગર, કચ્છ, સુરત, અમદાવાદ, બરોડા, મહેસાણા અને પાટણ સહિતની શહેરોનો પ્રવાસ ખેડીને ત્યાંની ખાણીપીણીની વસ્તુઓનો વીડિયો બનાવીને યુટ્યુબની ચેનલ પર અપલોડ કર્યો છે. હવે આગામી દિવસોમાં તેઓ વિદેશ પ્રવાસે જઈને ત્યાંની વેજિટેરિયન વાનગીઓનું પણ કવરેજ કરીને લોકો સમક્ષ મુકવાના છે.

કમલેશ મોદીએ જણાવ્યું કે તેઓની ચેનલ આજે ગુજરાતની નંબર વન ફુડી ચેનલ બની છે. તેની પાછળ મોરબીવાસીઓનો ભરપૂર સહયોગ કારણભૂત છે. સૌ પ્રથમ તેઓએ મોરબીના ખાણીપીણીના વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે મોરબીવાસીઓએ આ વીડિયોને ખૂબ સહયોગ આપીને તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેઓની ટીમમાં બે વ્યક્તિ જ છે. એક તેઓ પોતે અને બીજા કેમેરામેન તરીકે વર્ક કરતા રાજભાઇ છે.વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ ધો. ૧૦ નાપાસ છે. તેમ છતાં તેઓએ કંઈક અલગ કરવાની નેમ ધારણ કરીને ક્રિએટિવિટીથી યુટ્યુબમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આમ અભ્યાસમાં નાપાસ થવાથી નાસીપાસ થવાની જગ્યાએ હમેશા આત્મવિશ્વાસ સાથે કોઈ એક લક્ષ્ય નિર્ધારિત કરીને તેના તરફ મહેનતથી આગળ વધતું રહેવું જોઈએ.

મોરબીના યુવાન કમલેશ મોદીની ફુડીસ ચેનલની લિંક : https://www.youtube.com/user/kamlesh7008

- text