મોરબીની તમામ હોસ્પિટલોમા ચેકીંગ : ફાયર સેફટી લોલમલોલ હોવાનો ઘટસ્ફોટ

- text


તંત્રએ હોસ્પિટલોમા ચેકિંગ કરતા ફાયર સેફટીના સાધનો એક્સાપાયરી ડેટવાળા હોવાનું ખુલ્યું : તંત્રએ ફાયર સેફટી વિહોણી હોસ્પિટલોને નોટિસ ફટકારી

મોરબી : મોરબીમાં ફાયર સેફટી મામલે પાલિકા તંત્રએ આજે તમામ હોસ્પિટલો પર તવાઈ ઉતારી હતી અને હોસ્પિટલો ફાયર સેફટી મામલે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમ્યાન હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો એકપાયરી ડેટવાળા હોવાનું તો ઘણી હોસ્પિટલોમા ફાયર સેફટીની સુવિધા લોલમલોલ હોવાનું ખુલ્યું હતું. આથી તંત્રએ હાલ ફાયર સેફટી વિહોણી હોસ્પિટલોને નોટિસ ફટકારી છે.

સુરતની ગોઝારી ઘટના બાદ ઉચ્ચસ્તરેથી આદેશો આવતા મોરબી પાલિકા તંત્ર ફાયર સેફટી મામલે સઘન તપાસ કરવા માટે એક્શનમાં આવ્યું છે. ગઈકાલે ટ્યુશન ક્લાસિસો પર ધોસ બોલાવ્યા બાદ આજે પાલિકા તંત્રએ શહેરની તમામ હોસ્પિટલોમા ફાયર સેફટીની કેવી સુવિધા છે તેની ચકાસણી કરવા માટે સવારથી પાલિકાની ચેકિંગ ટુકડીઓ શહેરભરની હોસ્પિટલોમા ત્રાટકી હતી અને હોસ્પિટલોમા ફાયર સેફટી મામલે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમ્યાન મોટાભાગની હોસ્પિટલોમા ફાયર સેફટી લોલમલોલ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેમાં મોટાભાગની હોસ્પિટલોમા ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા હોવાની ચોકાવનારી બાબત સામે આવી હતી. અમુક હોસ્પિટલમાં 2013ની સાલના ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. તો અમુક હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો જ ન હતા. જોકે નિયમ મુજબ હોસ્પિટલના દરેક રૂમમાં તથા મેઈન લોબીમાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ. જેથી આગની દુર્ઘટના બને તો દર્દીઓની સલામતી જાળવી શકાય. પરંતુ અમુક હોસ્પિટલમાં ફાયર સેફટીનો ખુલ્લેઆમ ઉલાળીયો કરાતો હોવાથી દર્દીઓની સલામતી રામ ભરોશે હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે માત્ર મર્યાદિત હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધા જોવા મળી હતી. બાકીની મોટાભાગની હોસ્પિટલમાં ફાયર સેફટી લોલમલોલ છે. મોટાભાગની હોસ્પિટલો બીજા માળથી પાંચમા માળ સુધીની હોય છે.ત્યારે આ તમામ ફાયર સેફટી વિહોણી હોસ્પિટલોને પાલિકા તંત્રે નોટિસ ફટકારી છે. જોકે હોસ્પિટલ આવશ્યક સેવા હોવાથી ક્લોઝર નોટિસ નહિ પણ આ બેદરકારી અંગે ત્રણ દિવસમાં ખુલાસો આપવાની નોટિસ ફટકારી છે. આમ છતાં યોગ્ય ખુલાસો નહિ કરે તો કડક કાર્યવાહી કરાશે તેવું ફાયર ઓફિસર દીપકસિહ અને એન્જિનિયર ધીરુભાઈએ જણાવ્યું હતું.

- text

- text