મોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં ફિલ્મી ઢબે લૂંટ : જુઓ લૂંટનો વિડીયો

- text


ચાર લૂંટારુઓએ બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઓનલાઇન શોપિંગ ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકી ચાર લૂંટારુઓએ બંદૂકની અણીએ સરાજાહેર ફિલ્મીઢબે લૂંટને અંજામ આપી કર્મચારીને ઢોર માર મારી રૂપિયા ત્રણ લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી જવા પામી છે, જો કે સમગ્ર લૂંટનો બનાવ સીસીટીવીમા કેદ થઈ ગયો છે અને હાલ એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને નાકાબંધી કરી લૂંટારુઓને દબોચી લેવા પ્રયાસ હાથ ધરાયા છે.

આ સનસનીખેજ લૂંટ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શક્તિ ચેમ્બરમાં રાત્રીના સાડા આઠેક વાગ્યાના સમયે ઓનલાઇન શોપિંગની ફ્લિપકાર્ટની ઓફિસને નિશાન બનાવી ચાર બુકાનીધારી લૂંટારુઓ બંદૂક સહિતના હથિયાર સાથે પ્રિ પ્લાન કરી ત્રાટકયા હતા અને ફ્લિપકાર્ટના કર્મચારીને બંદૂકની અણીએ ફિલ્મી ઢબે લૂંટી ઓફિસમાં પડેલ તમામ રોકડ રકમની લૂંટ ચલાવી હતી.

વધૂમા ફ્લિપકાર્ટની ઓફિસમાં ત્રાટકેલા ચારેય લૂંટારુઓએ અઢી મિનિટથી વધુ સમય સુધી આંતક મચાવી ફ્લિપકાર્ટના કર્મચારીને બંધક બનાવ્યો હતો અને આ સમગ્ર લૂંટની ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ હતી.

દરમિયાન સરાજાહેર લૂંટ થઈ હોવાની જાણ પોલીસને થતા સીટી બી-ડીવીઝન, એલસીબી અને એસઓજી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી લૂંટારૂઓને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.

એલસીબી પીએસઆઇ આર.ટી.વ્યાસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં ત્રણેક લાખની લૂંટ થઈ હોવાનું બહાર આવ્યું છે, ઉલ્લેખનીય છે કે લૂંટને અંજામ આપી લૂંટારુઓ જતા જતા ફ્લિપકાર્ટના કર્મચારીનો મોબાઈલ ફોમ અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા.

- text

- text