બર્ફીલા પવનો વચ્ચે કઠિન પરિસ્થિતિમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરતા મોરબીના યુવા ઉદ્યોગપતિ

- text


એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક સર કરતા મોરબીના યુવા ઉદ્યોગપતિને ચોતરફથી અભિનંદન વર્ષા

મોરબી : તાપમાનનો પારો ૧૦ થી ૧૨ ડીગ્રી વચ્ચે પહોંચ્યો છે તો પણ તમે, હું આપને સૌ કોઈ સવારે પડે ને આજે તો બહુ ઠંડી છે ! જેવો ટોપિક પકડીએ છીએ…જરા વિચારો કે માઇનસ ૫ થી ૨૦ ડીગ્રી તાપમાન હોય અને ખુલ્લા વાતાવરણમાં બર્ફબારી થતી હોય તો આપણી હાલત શુ થાય ? બસ આવા જ ચેલેન્જ વાળા વાતાવરણમાં મોરબીના ગૌરવ સમાન યુવા ઉદ્યોગપતિ કિશોરભાઈ રાઠોડ સફળતા પૂર્વક એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરી આવતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

સામાન્ય રીતે આસાનીથી પામી શકાય તેવા સ્વપ્ન સાકાર કરવાની હરકોઈ માનવીની ઈચ્છા હોય છે પરંતુ કેટલાક લોકો અલગ હોય છે અને કંઈક નવું કરવા થનગનતા આવા જ લોકો અન્યોથી અલગ પડી છવાઈ જતા હોય છે ત્યારે મોરબીના યુવા ઉદ્યોગપતિ, બિઝનેસમેન અને સાહસિક કિશોર રાઠોડે પણ અનોખું સ્વપ્ન સાકાર કરવા એબીસી એટલે કે એવરેસ્ટ બેઝ કેમ્પનો અત્યંત જોખમી કહી શકાય તેવો ૧૪ દિવસનો ચેલેન્જિંગ ટ્રેકિંગ કેમ્પ સફળતા પૂર્વક પાર પાડી મોરબીનું નામ રોશન કર્યું છે.

આસમાનને આંબતા પર્વતો, વાદળો સાથે વાત કરતા શિખરો અને દુધકોશી નદીના પ્રવાહની વચ્ચેથી પસાર થતો ટ્રેકરૂટ ! બર્ફીલા કાતિલ પવનો અને બર્ફબારી વચ્ચે એવરેસ્ટ સર કરનાર કિશોર રાઠોડે પોતાના અવિસ્મરણીય અનુભવો મોરબી અપડેટ સાથે શેર કર્યા છે, પોતાના એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકિંગ અંગે વાતચીત કરતા જણાવે છે કે દરવર્ષે દેશ વિદેશના અનેક સાહસિકો એવરેસ્ટ બેઝ કેમ્પને આંબવા ઇબીસી ટ્રેકિંગ કરે છે જેમાં તેઓ પણ જોડાયા હતા, નેપાળના કમ્બુવેલીથી શરૂ થતો આ રૂટ સફરની શરૂઆતમાં જ તમારી હિંમત અને સાહસને માપી લે છે. કારણ કે શોર્ટ અને ખતરનાક રનિંગ ટ્રેક કાઠમંડુથી લુકલા પહોંચવા માટે માઉન્ટેન ફ્લાઈટ કે ચોપર જ મળી શકે છે વિશ્વના સૌથી ખતરનાક દશ રન-વેમાં આ રનવે ટ્રેકનો સમાવેશ થતો હોય તમારું જીગર મપાઇ જાય છે !

એવરેસ્ટ ટ્રેકિંગમાં ઉચાઈની વાત કરીએ તો લેહ લદાખની ઉંચાઈ આશરે ૧૧૪૮૦ ફૂટ છે જ્યારે લુકલા ટ્રેકની શરૂઆત જ ૯૩૮૩ ફૂટથી થાય છે, મતલબ કે ઉંચાઈ ઉપર જઈને ટ્રેકિંગ કરવાનું અને આ ટ્રેકિંગ ૧૭૫૯૮ ફૂટ ઉપર જઇ પૂર્ણ થાય છે ! અને ઓક્સિજન પણ ૫૦ ટકા જ થઈ જાય છે એટલે જ ઇબીસી ટ્રેક રૂટને અત્યંત ખતરનાક માનવામાં આવે છે.

- text

વધુમાં પોતાના અનુભવ વર્ણવતા કિશોર રાઠોડ ઉમેરે છે કે, ઉંચાઈ ઉપર પહોંચવાનો આ રસ્તો ખૂબજ ધીરજ અને હિંમત માંગી લે છે. ૧૩૦ કિલોમીટર લાંબા રાઉન્ડ ટ્રીપ ટ્રેકિંગ રૂટમા ૧૪ દિવસમાં ટ્રેકિંગ પૂર્ણ કરવાનું હોય છે જેમાં શરૂઆતના બે દિવસ acclimatization એટલે કે આબોહવાને અનુકૂળ થવા માટેની તૈયારી કરવી પડે છે અને ૯ દિવસ કપરા ચઢાણ અને ત્રણ દિવસમાં રિટર્નજર્ની એટલે કે પરત ફરવાનું હોય છે.

કાઠમંડુથી લુકલા પહોંચ્યા પછી ૬૫ કિલોમીટરનું ટ્રેકિંગ કરવાનું જેમાં દરરોજ એવરેજ ૧૨ થી ૧૫ કિલોમીટરનું અંતર કાપવું જરા પણ આસન નથી હોતું કારણકે ઢોળાવ વાળા વાંકાચૂકા રસ્તા, નદીમાંથી પસાર થવાનું અને એ પણ માઇનસ ૫ થી ૨૦ ડીગ્રી તાપમાન વચ્ચે ! તેમાં પણ બર્ફબારી વચ્ચે ટ્રેકિંગ કરવું ખૂબ જ જટિલ અને કઠિન છે.

એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકિંગની રોમાંચક વાતો કરતા કિશોર રાઠોડ કહે છે કે જેમ – જેમ ઉંચાઈ વધે છે તેમ તેમ રોમાંચ અને જોખમ પણ વધતું જાય છે, કાઠમંડુથી લુંકલા ને ત્યાંથી નામચે બજાર થઈ ડિગ્બોચે અને ત્યાંથી દૂઘલા અને ઠુકલા અને લોબુચે જેવા દુર્ગમ અને કઠિન ક્ષેત્રોમાંથી પસાર થવાનું હોય છે.

સાહસ અને હિંમત સાથે ટ્રેકિંગ કરતા સાહસિકો માટે લોબુચે પાસે એક શહીદ સ્મારક આવે છે, આ સ્મારક એ લોકોની યાદમાં છે કે જેઓ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા અને સ્વપ્ન સાથે અહીં આવેલા અને શહીદ થયેલા હતા ! અદભુત લાગણી ધરાવતું આ શિલ્પ જોવું એ પણ એક ટ્રેકર માટે હિંમત આપતો લ્હાવો હોવાનું ઉમેરતા કિશોર રાઠોડ કહે છે કે, લોબચેથી ગોરકશીપ વચ્ચે આવતા અદભુત પહાડો એવી અનુભૂતિ કરાવે છે કે જાણે આપણે પૃથ્વી ઉપર નહિ પરંતુ સ્વર્ગમાં છીએ!

અને છેલ્લા પડાવમાં કાલાપથ્થર થઈ ટ્રેકિંગની રિટર્નજર્ની શરૂ થાય છે થ્રિલર અને એક્સાઇટમેન્ટ સાથેની એવરેસ્ટ બેઝ કેમ્પ યાત્રા ખરે – ખર અવિસ્મરણીય બની હોવાની યાદ સાથે અંતમાં વિશ્વના ડેંજરીયસ એરપોર્ટથી આ ટ્રેકિંગ કેમ્પ પૂરો થાય છે, આમ મોરબીના કિશોર રાઠોડે કાતિલ અને હાડ થીજવતી ઠંડી વચ્ચે ૧૪ – ૧૪ દિવસનો એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેકિંગ કેમ્પ પૂર્ણ કરતા મિત્રો, સગા, સ્નેહીઓ અને આપ્તજનો તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.

એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતા પૂર્વક સર કરનાર મોરબીના યુવા ઉદ્યોગપતિ કિશોરભાઈ રાઠોડ સાથે વિશેષ ચર્ચા,જુઓ ઇન્ટરવ્યુ…

 

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text