મોરબી : સોસાયટીમાં ૬ મહિનાથી પાણી વિતરણ ઠપ્પ થતા મહિલાઓનું બેડાં સરઘસ

- text


રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું પાલિકા કચેરીએ બેડાં લઈને દોડી ગયું : પાલિકા કચેરી અને પાણી પુરવઠા વિભાગ દ્વારા એકબીજાને ખો

મોરબી : મોરબીના રવાપર રોડ પરની અમીપાર્કની બાજુની શેરીની સોસાયટીમાં છેલ્લા ૬ માસથી પાણી વિતરણ બંધ હોવાની અનેક રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે પાલિકા અને પાણી પુરવઠા વિભાગે કાર્યવાહી કરવાને બદલે એક બીજાને ખો જ આપી છે. ત્યારે આજે ફરી રોષે ભરાયેલ મહિલાઓ બેડાં લઈને પાલિકા કચેરીએ દોડી જતા તંત્ર દ્વારા ફરી એક વધુ વખત ખો આપવામાં આવી છે.

- text

મોરબીના રવાપર રોડ પર અમીપાર્કની બાજુની શેરીમા આવેલા ગુલાનીવાડી, નીતિનનગર, જોધાની વાડીમાં છેલ્લા ૬ માસથી પાણી વિતરણ બંધ છે. અહીંના રહેવાસીઓને દરરોજ પાણીના કેરબા ખરીદવાની ફરજ પડે છે. ત્યારે રોષે ભરાયેલ ૩૦ જેટલી સ્થાનિક મહિલાઓ આજે પાલિકા કચેરીએ દોડી ગઇ હતી. બાદમાં ઉપપ્રમુખ સમક્ષ સ્થાનિક મહિલાઓએ હૈયાવરાળ ઠાલવતા તેઓએ પાણી વિતરણ વિભાગના કર્મચારીને ત્યાં બોલાવ્યા હતા.

બાદમાં પાણી વિતરણ વિભગના કર્મચારીએ આ વિભાગ તેમના વિસ્તારમાં ન આવતું હોવાનું જણાવીને પાણી પૂરવઠા વિભાગને ખો આપી દીધી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે અગાઉ પણ પાણી પ્રશ્ને અનેક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાલિકા અને પાણી પુરવઠા દ્વારા આ વિસ્તાર તેમની હદમાં ન આવતો હોવાનું જણાવીને એકબીજાને ખો આપવામાં આવી રહી છે.

 

- text