મોરબીમાં આધ્યાત્મિકતા કેળવવા અને વાતાવરણ શુદ્ધિ માટે છેલ્લા ૨ વર્ષથી નિયમિત થતો વૈદિક યજ્ઞ

- text


વૈદિક પ્રચાર સમિતિ દ્વારા રામકો બંગલોજ ખાતે વૈદિક શાળા બનાવીને નિયમિત સવાર, સાંજ વૈદિક મંત્રોચ્ચાર કરાઈ છે

મોરબી : હાલના વ્યસ્ત સમયમાં પ્રાચીન પરંપરાની જાળવણી ખૂબ ઓછી જગ્યાએ થઈ રહી છે. એવામાં મોરબીના રામકો બંગલોજ ખાતે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા યજ્ઞ શાળા બનાવી ને છેલ્લા ૨ વર્ષથી નિયમિત વૈદિક યજ્ઞ કરીને વાતાવરણ શુદ્ધિ સાથે પરમ આધ્યાત્મિક ભાવના કેળવવામાં આવી રહી છે.

મોરબીની વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિના નરશીભાઈ અંદપરા, જેન્તીભાઈ ચારોલા, નરેન્દ્રભાઈ દોશી, હસુભાઈ રાજપરાના જણાવ્યા મુજબ છેલ્લા ૭ વર્ષથી વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ દ્વારા વૈદિક યજ્ઞ કરવામાં આવે છે. જો કે આ વૈદિક યજ્ઞની શરૂઆત સમિતિના દિવંગત અગ્રણી જીવરાજભાઈ વડાવીયાએ કરી હતી. ત્યારે હવે સમિતિના સભ્યો આ વૈદિક યજ્ઞનું સંચાલન કરે છે.

- text

વધુમાં તેઓએ કહ્યું કે આજના આધુનિક યુગના ધમાલિયા વાતાવરણમાં વતાવરણની શુદ્ધિ અતિઆવશ્યક હોય, તથા વૈદિક યજ્ઞથી તન મનની શુદ્ધિ થઈને પરમતત્વ નજીક પહોંચવાનો અહેસાસ થતો હોવાથી છેલ્લા બે વર્ષથી રામકો બંગલોજ ખાતે યજ્ઞ શાળા બનાવીને નિયમિત વૈદિક યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ વિભૂતિ સ્વામી દયાનંદ સરસ્વતિની વૈદિક પરંપરા મુજબ યજ્ઞ માટે વપરાતી સામગ્રી જેવી કે ગળો, કમર કાંકરી, ચણોઠી, ગુલાબ સહિતની ૨૦ થી વધુ ઔષધિઓ હરિદ્વારથી મંગાવીને આ વૈદિક યજ્ઞમાં હોમ હવન કરીને વૈદિક મંત્રોચ્ચાર કરે છે.

વધુમાં જણાવ્યું કે આ સમિતિમાં ૪૫ જેટલા સભ્યો છે. જ્યારે ૨૦થી ૨૫ સભ્યો વૈદિક યજ્ઞમાં જોડાઈ છે. આ સમિતિ વિનામૂલ્યે કોઈ પણ વ્યકિતના ઘરે વૈદિક યજ્ઞ કરવા જાય છે. આ રીતે સમિતિએ ૭૦૦ ઘરોમાં વૈદિક યજ્ઞ કર્યો છે. રામકો બંગલોજ ખાતે યજ્ઞશાળા બનાવ્યાને બે વર્ષ પૂર્ણ થતાં તા. ૨૯ જુલાઈએ ૧૧ કુંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

 

- text