ખાનપર સ્મશાન જમીન વિવાદ મૂદે હાલ પૂરતું ખેડૂતોનું આંદોલન મોકૂફ

- text


આ મુદ્દે પૂરતો સહયોગ આપવાની કલેક્ટરે અને રાજકીય આગેવાનોએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો : ખેડૂતો સોમવારે રજુઆત અર્થે ગાંધીનગર જશે

મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે ખાનપર ગામના ખેડૂતોએ ખાનપર સ્મશાન જમીન વિવાદ મૂદે જે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું તે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને કલેકટર તંત્રની સરકારમાં યોગ્ય અને હકારાત્મક રજૂઆતની ખાતરી આપતા ખેડૂતોએ હાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.

ખાનપર ગામના ખેડુતોના આંદોલન મુદ્દે સાંસદ મોહનભાઇ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાની હાજરીમાં ખેડૂતો અને કલેકટર તંત્ર વચ્ચે સાંજના સમયે એક બેઠક બોલવામાં આવી હતી . જેમાં કલેક્ટરે જણાવ્યું કે હાલ આ મુદ્દો સરકારના હાથમાં છે. અમારા તરફથી આ મુદ્દે નિરાકરણ લાવવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. આમ તંત્ર તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવતા મામલો થાળે પડ્યો છે. આ મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ મોરબી અપડેટ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે તેઓએ અને સાંસદ કુંડારિયાએ મળીને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. જેમાં ખેડૂતોને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. તંત્રના હકારાત્મક વલણથી ખેડૂતોએ આંદોલન મોકૂફ રાખ્યું છે.

- text

જયારે આ અંગે ખાનપારના સરપંચ ખંતીલ ભીમાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકીય આગેવાનો અને તંત્રએ સરકારમાં અમારા મુદ્દે યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી છે. આ મુદ્દે નક્કી થયા મુજબ આગામી સોમવારે ખેડૂતો ગાંધીનગર રજુઆત અર્થે જશે અને ત્યાં સરકાર શું પ્રતિભાવ આપશે તેના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

- text