મોરબી જિલ્લામાં આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી

- text


બટુક ભોજન, હવન, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : આજે ચૈત્ર સુદ પુનમના દિવસે ઠેર ઠેર હનુમાનજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોરબી ઉપરાંત વાંકાનેર, ટંકારા, માળિયા, હળવદ તાલુકાના હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

મોરબી જિલ્લાના હનુમાનજી મહારાજના મંદિરોમાં આજે હનુમાન જયંતી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી મહારાજના મંદિરોમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ભક્તોને બુંદી ગાંઠિયાનાં વિતરણ, અન્નકૂટ ઉત્સવ તથા બટુક ભોજન સહિતનાં આયોજનો પણ થયા હતાં. શેરીઓમાં આવેલ હનુમાનજીની દેરીઓમાં પણ સ્થાનિકો દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડ પાઠ વગેરે ધર્મકાર્યો તથા વાડીઓમાં બટુક ભોજનનાં કાર્યક્રમો યોજી ધર્મોત્સવ ઉજવાયો હતો.

- text

મોરબીના ખોખરા હનુમાન ધામ ખાતે આજે હનુમાન જન્મોત્સવ નિમિતે સુંદરકાંડ, રામાયણ પાઠ, મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. તો મોરબીના પંચમુખી હનુમાનજી મંદિરે ધૂનનું આયોજન કરાયું હતું. તો આ તરફ નારીચાણિયા હનુમાનજીના મંદિરે હવનનું આયોજન કરાયું હતું. જ્યારે મોરબીના ઉમિયા આશ્રમે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેરાળાના જખવાડા હનુમાન મંદિરે મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરાયું છે. રામકૃષ્ણ રક્ષક હનુમાનજીના મંદિરે પણ હનુમાન જયંતી નિમિત્તે બટુક ભોજન કરાવાયું હતું. વાઘપરમાં પણ હનુમાન જયંતી નિમિત્તે રોકડીયા હનુમાનજીના મંદિરે યજ્ઞનું આયોજન કરાયું હતું. ખત્રીવાડમાં આવેલી બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતીની વાડી પાસે બપોરે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. બજરંગ યુવક મંડળ દ્વારા 108 હનુમાન ચાલીસાના પાઠ, બટુક ભોજન, ધ્વજારોહણ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મોરબીના ખરેડા ગામે હનુમાન જયંતી નિમિત્તે રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું છે. ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા એક અનોખી પહેલ કરીને જે બાળકોએ હનુમાન ચાલીસાનું મૌખિક પઠન કર્યું હતું તેઓને આકર્ષક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text