નરેન્દ્ર મોદી પણ જેને ફોલો કરે છે એ કાજલ હિન્દુસ્તાની કોણ છે? જાણો..

કાજલે શા માટે હિન્દુસ્તાની અટક ધારણ કરી? કાજલ હિન્દુસ્તાનીનાં જીવન વિશે જાણવા માટે વાંચો Morbi Updateનો વિશેષ અહેવાલ 

Morbi : કાજલ હિન્દુસ્તાની ફરી એક વખત માધ્યમોમાં ચર્ચામાં આવી છે. ગઇ કાલે તેનો એક વિવાદાસ્પદ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સુરતમાં એક સામાજીક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરીઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.

આ વીડિયોમાં તે એવું કહેતી જોવા મળે છે કે, મોરબીમાં પાટીદારનાં દીકરીઓ લધુમતિ કોમનાં છોકરાઓ સાથે પ્રેમમાં છે અને ઘરમાંથી પૈસા ચોરીને તેમના બોયફ્રેન્ડને ગીફ્ટ આપે છે. કાજલનાં આ નિવેદનથી સમગ્ર પાટીદાર સમાજમાં રોષ વ્યાપ્યો છે. તેના આ નિવેદન બદલ પાટીદાર નેતા મનોજ પનારાએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ પણ નોંધાવી છે.

વાણીવિલાસ માટે જાણિતી બનેલી કાજલ હિન્દુસ્તાની કોણ છે ?

ચૂંટણીના આ સમયમાં તમે સોશ્યલ મિડીયા પર ‘કાજલ હિન્દુસ્તાની’ ને જોઇ-સાંભળી જ હશે. કદાચ એના વિશે ઘણું સાંભળ્યુંય હશે. તે આગઝરતી વાણીમાં અને બેબાક બોલે છે. એની વિચારધારા સાથે કે એની દલીલો સાથે તમે સહમત હો કે ન હો, પણ એ બોલતી હોય એ ક્ષણ પૂરતા એ તમને સાંભળવા મજબૂર અવશ્ય કરી દે છે. ફેસબુક, ટવીટર કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર એના અઢળક ફોલોઅર્સ છે. અને, ટવીટર પર તો એને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોલો કરે છે!

મૂળ રાજસ્થાનના સિરોહી ગામમાં જન્મેલી કાજલ ત્રિવેદીએ 12 વર્ષની ઉંમરે જ પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. બે ભાઇ અને માતા સાથે સંયુક્ત પરિવારમાં ઉછરી છે. પરિવારનો અગરબત્તી અને બિસ્કીટનો હોલસેલનો બિઝનેસ હતો. પરિવારમાં એવું કોઈ રાજનીતિક વાતાવરણ નહોતું, પરંતુ તે બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા સાથે જોડાયેલી હતી. અભ્યાસની વાત કરીએ તો, તે ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટના વિષય સાથે ગ્રેજયુએટ થઇ છે.

વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જવલંત શિંગાળા સાથે કાજલના મેરેજ થયા હતા. લગ્ન પછી કાજલ પતિ સાથે વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગઈ હતી. કાજલનો દાવો છે કે, ગુજરાતમાં કેટલાક અનુસૂચિત જાતિના નેતાઓએ તેને બ્રાહ્મણવાદના નામે નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આવા લોકોને જવાબ આપવા માટે તેણે પોતાની સરનેમ સિંગલાથી બદલીને હિન્દુસ્તાની કરી દીધી.

કાજલ વર્ષ 2016માં સોશ્યલ મિડીયામાં ચમકી હતી. નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં જે બનાવ બન્યો હતો અને કેમ્પસમાં જ કથિત રીતે ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા નારા લાગ્યા હતા એનાથી એને ખૂબ આઘાત લાગ્યો હતો. એને થયું કે, જો સારા લોકો આનો વિરોધ નહીં કરે તો દેશનું શું થશે? જો એનો અત્યારથી વિરોધ નહીં કરીએ તો ભવિષ્યમાં ભારતના દરેક ઘરમાં આવા નારા લાગી શકે છે.

એ પછી કાજલે પોતાના વિચારો ફેસબુક પર લખવાનું શરૂ કર્યું. તેના વિચારોમાં ધીમે ધીમે ઝનૂન ઉમેરાતું ગયું. કાજલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસક પણ બનતી ગઈ અને એમાંથી એની રાજકીય સફર શરૂ થઈ. સોશ્યલ મીડિયા પર એ નરેન્દ્ર મોદીની જબરદસ્ત પ્રશંસક અને સમર્થક તરીકે ઊભરી આવી.

વર્ષ 2018 માં ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં કાજલ હિન્દુ મહાસભા ઓફ અમેરિકાના આમંત્રણથી અમેરિકા ગઈ હતી . આ બન્ને પ્રવાસ દરમ્યાન કાજલે ન્યુયોર્ક, ન્યુજર્સી, ડલાસ, હ્યુસ્ટન સહિત અનેક સ્થળે પ્રવચનો આપ્યા. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ કાજલ અને એની તેજાબી વાણી લોકપ્રિય બની.

કાજલ હિન્દુસ્તાની એકસ (x) પરનાં તેના બાયોમાં લખે છે કે, તે ઉદ્યોગ સાહસિક છે, સંશોધક છે, ડિબેટર છે, સામાજિક કાર્યકર્તા છે અને રાષ્ટ્રવાદી હોવાનો તેને ગૌરવ છે.

હાલ તો કાજલ હિન્દુસ્તાનીની મોરબી પાટીદાર સમાજની દીકરીઓને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભારે વિવાદ સર્જાયો છે.