મોરબી બાયપાસ ઉપર બાઈક ઉપર ડાન્સ કરનાર પંજાબી યુવાન ઝડપાયો

- text


ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો

મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર ટ્રાફિકની અવરજવર વચ્ચે બાઈક ઉપર જોખમી સ્ટંટ કરવાની સાથે ડાન્સ કરતા યુવાનનો વીડિયો વાયરલ થયા બાદ આ અંગેનો અહેવાલ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થતા જ મોરબી ટ્રાફિક પોલીસે ગણતરીની કલાકમાં આ બાઈક ચાલક પંજાબી યુવાનને ઝડપી લઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સોશિયલ મીડિયામાં કંડલા બાયપાસ રોડ ઉપર જીજે-36-એડી-2703 નંબરના બાઈક ઉપર એક યુવાન જોખમી સ્ટંટ કરવાની સાથે ફૂલ મોજમસ્તીમાં ડાન્સ કરતો હોવાની સાથે ચાલુ બાઇકમાં આરામથી બાઈકની સીટ ઉપર સૂતો હોય તેવા અવનવા પેતરા કરતો હોય તેવો વીડિયો વાયરલ થતા અંગેનો અહેવાલ મોરબી અપડેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેને પગલે મોરબી ટ્રાફિક શાખાના પીઆઇ કે.એમ.છાસિયાએ બનાવની નોંધ લઈ તાત્કાલિક અસરથી સ્ટંટબાજને પકડી લેવા કાર્યવાહી કરી હતી.

- text

વધુમા ટ્રાફિક પીઆઇ કે.એમ.છાસિયા, પીએસઆઇ ડી.બી.ઠક્કર, હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર, નરેન્દ્રસિંહ જાડેજા અને વિનોદભાઈ ચાવડા સહિતની ટીમે વીડિયોમાં દેખાતા બાઈક નંબરના આધારે તપાસ કરી લજાઈ નજીક એટોપ વેફર સામે આવેલ બ્રિજ કારબેટ ફ્રેન્ચફ્રાય કારખાનાની ઓરડીમાંથી મૂળ પંજાબના રહેવાસી એવા સ્ટંટ કરનાર સિક્યુરિટી ગાર્ડ હરપ્રિતસિંઘ મેજરસિંગ જાટ ઉ.33ને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે સીટી એ ડિવિઝન પોલીસને સોંપી આપ્યો હતો.

- text