મોરબીના 67 વર્ષીય ડો. હસ્તીબેન મહેતાએ ફર્સ્ટ ક્લાસ સાથે કથ્થક વિશારદની પદવી મેળવી

- text


તબીબીક્ષેત્રે સતત સેવામય રહેતા ડો.હસ્તીબેનની વધુ એક સિદ્ધિ

મોરબી : “કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી.” આ ઉક્તિને મોરબીના 67 વર્ષીય સેવાભાવી ડો. હસ્તીબેન મહેતાએ ખરાઅર્થમાં સાર્થક કરી છે. તેમણે આ ઉંમરે ફર્સ્ટ ક્લાસ સાથે કથક નૃત્ય વિશારદની પદવી મેળવીને અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

મોરબીના સેવાભાવી ડો. હસ્તીબેન મહેતા 67 વર્ષની વયે કથ્થકમાં વિશારદ બન્યા છે. આ સિદ્ધિ અંગે તેમણે જણાવ્યું કે, મને બાળપણથી જ કલા, સાહિત્ય, સંગીતનો ખુબ શોખ તેમાં પણ શાસ્ત્રીય નૃત્યનો શોખ અનહદ હતો. પણ આ વાત છ દાયકા પહેલાની અને ત્યારે તે સમય આટલા સંસાધનો, માર્ગદર્શન આપનારાઓ, કે પછી કોઇ પ્રસ્તુતિઓ જોઈને કઈક શીખી શકાય તેવા પણ માધ્યમો નહિવત. માત્ર વાંચન કે સમાચાર પત્રો દ્વારા જ જાણકારી એ પણ ખુબ ઓછી મેળવી શકાતી. આજના સમયની જેમ આંગળીના ટેરવે કોઈ માહીતી નહોતી પણ અંતરના ઉંડાણમાં ધરબાયેલા છતાં ધડકનો દ્વારા સદા યાદ અપાવતો એ ક્લાસિકલ નૃત્યનો શોખ અકબંધ જ રહ્યો.

- text

કૌટુંબિક, સામાજિક, આર્થિક તમામ જવાબદારીઓ પૂરી થવા આવી ત્યારે એ સપનાએ આંતર મનનો કબજો લઈ લીધો છે ક્લાસિકલ નૃત્ય તો શીખવું જ છે. પણ દિમાગે પ્રેક્ટિકલી સમજાવ્યું કે હવે આ કંઈ ઉંમર છે નૃત્ય શીખવાની?? પણ મન તો તૈયાર જ હતું કે શીખવાની કોઈ ઉંમર થોડી હોય અને “મન ચંગા તો કથરોટ મેં ગંગા” કહેવત યાદ કરીને આરંભ કરી જ દીધો નૃત્યમાં પારંગત થવા માટેના પ્રયત્ન શરૂ કર્યા. પણ કહેવાય છે ને કે આરંભ તો સહેલો છે પણ મંઝિલ સુધીનો રસ્તો કપરો જ હોય. મનને ઉંમર ન નડે પણ શરીરને તો ઉંમરના બંધનો નડે જ છે, પણ મન એવું મજબૂત કે શરીરને થાકવા જ ન દીધું.

ડો.હસ્તીબેને વધુમાં જણાવ્યું કે, તમામ જવાબદારીઓ નિભાવતા નિભાવતા 60 માં વર્ષે નૃત્ય શીખવાનું શરૂ કરી દીધું અને પછી તો પાછું વળીને નથી જોયુ. આખરે એ દિવસ આવી જ ગયો કે જે શીખ્યા છીએ એ બરાબર જ છે કે નહીં? લેવાઈ પરીક્ષા અને હું ફર્સ્ટ કલાસ સાથે ઉત્તીર્ણ થઈને નૃત્ય વિશારદ થઈ ગઈ. તેઓ જણાવે છે કે, મારા જીવનમાં સેવેલું સ્વપ્ન સાકાર થયુ તેનો મને ખુબ આનંદ છે. આ સિદ્ધિ સુધી પહોંચાડવામાં મદદરૂપ ગુરૂગણ, સહ અધ્યાયી મહેશ્વરીબેન અંતાણી સહિત તમામનો ડો. હસ્તીબેન મહેતાએ આભાર વ્યક્ત કર્યો છે.

- text