ગંદકી જ ગંદકી ! સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી 275માં ક્રમે ધકેલાયું

- text


ગત વર્ષે 189ના ક્રમે રહેલી મોરબી પાલિકાએ આ વખતે તળિયે : રાષ્ટ્રીય કક્ષાએ આબરૂનું ધોવાણ કરનાર પાલિકા રાજ્યકક્ષાએ આશ્રયજનક રીતે 14માં ક્રમે રહી

મોરબી : સૌરાષ્ટ્રની સૌથી મોટી એ ગ્રેડની મોરબી નગરપાલિકા સફાઈ મામલે એકદમ શૂન્ય છે. રાષ્ટ્રીય કક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબી નગરપાલિકાનો સફાઈ મામલે એટલો બધો કંગાળ દેખાવ કર્યો કે, એક સમયે સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાતા કહેવાતા વિકાસશીલ મોરબીને ગંદુ શહેર તરીકે ઓળખ મળે તેવી અધોગતિ થઈ ગઈ છે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં ગત વખતે 189ના ક્રમે રહેલી મોરબી પાલિકા શરમજનક રીતે 275માં ક્રમે ધકેલાય જતા સમગ્ર પાલિકાની આબરુનું ધોવાણ થયું છે.

મોરબીમાં વર્ષ 2023 દરમિયાન સ્વચ્છતા મામલે કેન્દ્ર સરકારની સ્વચ્છતા સર્વેક્ષણની ટીમે પાલિકાના અધિકારીઓ તેમજ સફાઈ કર્મચારીઓની કામગીરી અને શહેરમાં ઠેર-ઠેર સર્વે સાથે ઉડી સમીક્ષા અહેવાલ તૈયાર કર્યા બાદ આ સ્વચ્છતા સર્વેક્ષણના જાહેર પરિણામમાં મોરબીના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત ધોબી પછડાટ મળી હતી. જેમાં ગત વર્ષે 189નો ક્રમ મેળવનાર મોરબી પાલિકાએ આ વર્ષના સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ લેવલે આવે તે રીતે સ્વચ્છતાની કામગીરી કરવી જોઈતી હતી.પણ અફસોસ ઢમ ઢમ ઢોલ માહે પોલની જેમ સમગ્ર સેનિટેશન વિભાગ સહિત મોરબી નગરપાલિકા તંત્રએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ગયા વખત કરતા સારું પરિણામ મેળવવા માટે સફાઈની યોગ્ય કામગીરી કરવાને બદલે કોઈ રસ જ હોય તે રીતે સમગ્ર તંત્રએ એકદમ આળસવૃત્તિ દેખાવતા રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતામાં મોરબીનું નાલેશીભર્યું પરિણામ આવ્યું છે.

- text

જો કે, રાષ્ટ્રીય કક્ષાએ આબરૂનું ધોવાણ કરનાર પાલિકા રાજ્યકક્ષાએ આશ્રયજનક રીતે 14માં ક્રમે રહી છે. નગરપાલિકામાં 2022 23ના વર્ષમાં ઘણા ઉત્તર ચઢાવ આવ્યા હતા. ખાસ કરીને તમામે તમામ 52 સીટ ઉપર કબ્જા સાથે પાલિકામાં એકચક્રી શાસન ભોગવતા ભાજપની સમગ્ર ટીમ પુલ દુર્ઘટનાને કારણે ઘરભેગી થઈ ગઈ હતી. એટલે પાલિકા સુપરસિડ થઈ એને ખાસ્સો સમય વીત્યા બાદ પણ શહેરમાં સ્વચ્છતા રાખવા કોઈ ઠોસ કામગીરી ન કરી હોવાનું ઉડીને આંખે વળગ્યું હતું.

છેલ્લા થોડાક મહિનાથી અધિકારીઓના હવાલે આવેલી પાલિકાની શરૂઆતમાં તપાસ કરતા પાલિકાની તિજોરી તળિયા ઝાટક જોવા મળ્યા બાદ આ પ્રજાના પૈસા કોણ હજમ કરી ગયું એની કોઈ તપાસ થઈ નથી. તેમજ અધિકારીઓ ઘણીવાર તેમની મૂળ ફરજમાંથી નવરા થતા ન હોય અને પાલિકામાં તેમના ઇન્ચાર્જ અધિકારી તરીકેની કામગીરી યોગ્ય રીતે ન કરી શકતા શહેરની સફાઈ રામભરોસે થઈ ગઈ હતી. જો કે પાલિકા પાસે ભંડોળ ન હોવાથી ખર્ચ બચાવવા ડોર ટુ ડોર કચરા કલેક્શન અને રાત્રી સફાઈનો પણ કોન્ટ્રાક્ટ રદ કરી દેતા નગરપાલિકા જાતે શહેરની સફાઈ કરતી હોય એમાં ભારે અવ્યવસ્થા સર્જાતી હતી. આ અંગે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ સ્વચ્છતા રેન્કિંગમાં મોરબીનો નબળો દેખાવ રહ્યો છે. આ સ્વચ્છતા સર્વેક્ષણ થયો ત્યારે રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગની ગ્રાન્ટની 80-20 ટકાની સફાઈની વ્યવસ્થાને એજન્સીને રદ કરીને પાલિકા ઘણા સમયથી જાતે જ સફાઈ કરે છે. હવે એન્જસી નક્કી થઈ ગઈ છે અને બે મહિનાથી ઘણું બધું સારું પરિણામ આવ્યું હોય તેમજ સફાઈના સર્વે વખતે એજન્સી ન હોય એટલે નગરપાલિકા જાતે જ કચરો ઉપાડતી હોય તેમજ નવા પાંચ ટ્રેક્ટરો લઈને સફાઈ કરીને આવતા વર્ષે સ્વચ્છતામાં સારું પરિણામ લાવવા પ્રયત્નશીલ રહીશું તેવું અંતમાં જણાવ્યું હતું.

- text