નશામાં ચકચૂર આઇસર ચાલકે મોરબી હાઇવે માથે લીધો, અનેકને હડફેટે લીધા 

- text


લજાઈ ચોકડીએ ઇકો, ટંકારા પાસે હોન્ડા અને શનાળા નજીક બાળકીને ઉડાવી મિતાણા પાસે પોલીસની ગાડીને ઠોકર મારી : દસેક ગાડીઓએ પીછો કરતા અંતે પોલીસના હાથે પકડાયો 

મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગઈકાલે બપોર બાદના સમયે એક આઇસર ચાલક નશામાં ચકચૂર બની ડ્રાઈવીંગ સીટ ઉપર બેસી જતા મોરબીના શનાળાથી લઈ મિતાણા ચોકડી સુધીમાં અનેક વાહનોને હડફેટે લઈ છેલ્લે પોલીસની પીસીઆર વાનને પણ ઠોકર મારતા અંદાજે દસેક જેટલા ખાનગી વાહનો અને પોલીસની 100 નંબર ટીમે ભારે જહેમત બાદ ડમડમ હાલતમાં રહેલા નશેળી આઇસર ચાલકને ઝડપી લઈ નશાનું ભૂત ઉતારી નાખ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી તરફથી રાજકોટ તરફ જઈ રહેલા આઇસર ટ્રકના ચાલકે અનેક વાહનો સાથે ટ્રક અથડાવવાની સાથે પુરપાટ ઝડપે બેફામ બનીને વાહન ચલાવતો હોવાની પોલીસ કંટ્રોલરૂમને ફરિયાદ મળતા ટંકારા પીસીઆર 100 નંબરની ગાડી એલર્ટ બની હતી અને ટંકારા નજીક ઉપરોક્ત વર્ણન વાળા આઇસર ચાલકને અટકાવવા કોશિષ કરતા આઇસર ચાલકે ગાડી હંકારી મૂકી હતી.

વધુમાં ટંકારા પીસીઆર 100 નંબરની ગાડીના ઇન્ચાર્જ ચંદુભાઇ કેશાભાઇ મકવાણા સહિતની ટીમે આઇસર નંબર GJ-13-AT-8397નો પીછો કરવાની સાથે દસેક જેટલા ખાનગી વાહન ચાલકોએ પણ આ બેકાબુ આઇસરનો પીછો કરતા મિતાણા નજીક આઇસર ચાલકે પોલીસની પીસીઆર વાનને પણ હડફેટે લઈ નુકશાન કર્યું હતું આ વેળાએ પોલીસે આઇસર ચાલકને ઝડપી લઈ પૂછપરછ કરતા તેનું નામ અજયભાઇ રાજેશભાઇ મકવાણા, રહે.ચુનારવાડ શીવાજીનગર શેરી નં.21, જી.ઇ.બી.પોલીસ સ્ટેશન સામે, દુધસાગર રોડ, રાજકોટ વાળો હોવાનું જણાવતા પોલીસે ચેક કરતા આરોપી અજયભાઇ રાજેશભાઇ મકવાણા નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં આ ગંભીર બનાવ મામલે પીસીઆર 100 નંબરની ગાડીના ઇન્ચાર્જ ચંદુભાઇ કેશાભાઇ મકવાણા જાતે ફરિયાદી બની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવાયું હતું કે આરોપી લજાઈ ચોકડી પાસે GJ-03-ER-6747 નંબરની ઇકો ગાડીમા નુકશાન કરી, ટંકારા પાસે GJ-36-AD-3626 નંબરના બાઇકને નુકશાન કરવાની સાથે પોલીસ પીસીઆર વાહનને નુકશાન કર્યું હોય કાયદેસરની કાર્યવાહી કરી હતી. નોંધનીય છે કે, આઇસર ચાલકે શનાળા નજીક એક બાળકીને હડફેટે લીધાની પણ ચર્ચા ઉઠવા પામી છે.

- text

- text